અમરણ’ જેવી બહુ વખણાયેલી ફિલ્મ બનાવનારા સર્જક રાજકુમાર પેરિયાસ્વામી કાર્તિક આર્યન સાથેની એક ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરવાના હતા. પરંતુ, કાર્તિકે તેમને તારીખો માટે લટકાવી રાખતાં કંટાળેલા રાજકુમાર પેરિયાસ્વામીએ હવે આ ફિલ્મને હાલ બાજુ પર મૂકી તમિલમાં ધનુષ સાથેની એક ફિલ્મ આગળ વધારવાનું નક્કી કર્યું છે.

કાર્તિક આર્યન પોતાની જાતને બહુ મોટો સ્ટાર માનવા લાગ્યો હોય તેમ તેનાં નખરાં દિવસરાત વધી રહ્યાં છે. તેણે રાજકુમાર પેરિયાસ્વામીની ફિલ્મ સ્વીકારી તો લીધી પરંતુ પછી જોઈતી તારીખો આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. તેણે ‘નાગઝિલ્લા’ ફિલ્મને અગ્રતા આપી હતી અને તે પછી પોતે કબીર ખાન સાથે એક ફિલ્મ કરી રહ્યો છે તેવું જણાવી દીધું હોવાનું કહેવાય છે.
કાર્તિકના રંગઢંગ જોતાં આ ફિલ્મ હજુ બે વર્ષ સુધી આગળ નહિ વધે તેમ લાગતાં કંટાળેલા રાજકુમાર પેરિયાસ્વામીએ છેવટે હાલ બોલિવુડમાં ડેબ્યૂ કરવાનું જ મુલત્વી રાખી દીધું છે.

