ડીપફેકનો મહત્તમ શિકાર બનતા સેલિબ્રિટીઓમાં શાહરુખ ખાન અને દીપિકા પદુકોણ ટોચ પર છે. આ ઉપરાંત આ યાદીમાં પ્રિયંકા ચોપરા, કિમ કાર્દશિયન, ઈલોન મસ્ક, ટેઈલર સ્વીફટ તથા બીટીએસના સભ્યો પણ સામેલ છે. એક એન્ટી વાયરસ કંપનીએ ૨૦૨૫નાં વર્ષમાં મહત્તમ ડીપ ફેકનો શિકાર બનેલા સેલિબ્રિટીઓની યાદી પ્રગટ કરી છે. તેમાં સૌથી પહેલું નામ શાહરુખનું અને બીજું નામ આલિયા ભટ્ટનું છે.

આ સેલિબ્રિટીઓની તસવીરો તથા વોઈસનો ઉપયોગ કરીને એઆઈ દ્વારા ડીપ ફેક કન્ટેન્ટ સર્જવામાં આવે છે.
આ સેલિબ્રિટીઓ જાણે કોઈ પ્રોડક્ટ કે સર્વિસને એન્ડોર્સ કરતા હોય તેવું કન્ટેન્ટ બનાવાય છે અથવા તો કેટલીક વેબસાઈટના ખોટા પ્રચાર માટે તેમનો ઉપયોગ થાય છે.સામાન્ય લોકો આ કન્ટેન્ટને સાચું માની ગેરમાર્ગે દોરવાય છે અને છેતરપિંડીનો શિકાર બને છે.
ભારતમાં મહત્તમ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવાથી ડીપ ફેક માટે ભારતીય ઓડિયન્સ બહુ મોટું ટાર્ગેટ બની ગયું છે અને તેના કારણે ભારતીય સેલિબ્રિટીઓની ડીપ ફેક કન્ટેન્ટ પણ સૌથી વધારે જનરેટ થાય છે.
એક અંદાજ અનુસાર આશરે ૯૦ ટકા ભારતીયોને કોઈને કોઈ સ્વરુપે ડીપ ફેક કન્ટેન્ટનો સામનો કરવો પડે છે.

