ધનુષ અને મૃણાલ ઠાકુર ડેટિંગમાં હોવાની ચર્ચા લાંબા સમયથી છે. હવે નવી અફવા અનુસાર બંને કદાચ આ વેલેન્ટાઈન ડેએ લગ્ન કરી લેવાનાં છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ લગ્ન સમારોહ બહુ જ ખાનગી રીતે અને પસંદગીના લોકોની હાજરીમાં જ યોજાશે. બંનેના નિકટના પરિવારજનો તથા મિત્રોને જ આમંત્રણ અપાયું છે.

જોકે, ધનુષ અને મૃણાલે હજુ સુધી તેમના રિલેશન વિશે જાહેરમાં કોઈ ઘોષણા કરી નથી. તેમના નજીકના મિત્રોના દાવા અનુસાર ધનુષ પોતાનું વ્યક્તિગત જીવન બહુ ખાનગી રાખવામાં માને છે અને તેથી તે મૃણાલ સાથેના પ્રેમસંબંધને લગ્ન પહેલાં જાહેર કરે તેવી શક્યતા બહુ ઓછી છે. છેલ્લા કેટલાય સમયથી ધનુષ અને મૃણાલ સાથે દેખાઈ રહ્યાં છે. મૃણાલ ધનુષ કરતાં નવ વર્ષ નાની છે.
કેટલાક સમયથી બંને એકબીજાની ફિલ્મ રીલિઝ સહિતનાં ફંકશનમાં પણ હાજરી આપી રહ્યાં છે.
ધનુષે અગાઉ મેગાસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે પુત્રો પણ છે. જોકે, ૧૮ વર્ષનાં લગ્નજીવન બાદ ૨૦૨૨માં ધનુષ અને ઐશ્વર્યાએ છૂટાછેડા લઈ લીધા હતા. તે પછી કેટલાક મહિનાઓ પહેલાં એવી અફવા શરુ થઈ હતી કે ધનુષ હવે મૃણાલ સાથે પ્રેમમાં છે.

