ધર્મેન્દ્ર પોતાને કોઈ બીમાર કે નિશ્ચેતન હાલતમાં જુએ તેમ ઈચ્છતો ન હતો. તે ન હતો ઈચ્છતો કે ચાહકો તેને અશક્ત કે નિશ્ચેતન હાલતમાં જુએ. આથી જ તેની અંતિમ વિધિ પણ ઉતાવળે કરી દેવામાં આવી હતી તેમ હેમા માલિનીએ જણાવ્યું છે.

ધર્મેન્દ્રના અવસાનના કેટલાય દિવસો બાદ હેમા માલિનીએ એક સંવાદમાં કહ્યું હતું કે ધર્મેન્દ્રની હાલત અંતિમ દિવસોમાં ખરેખર બહુ કષ્ટદાયક હતી. જોકે, ખુદ ધર્મેન્દ્રની ઈચ્છા હતી કે ચાહકો તેના બીમાર સ્વરુપને ક્યારેય ન જુએ. આથી ધર્મેન્દ્રએ તેની બીમારીની વાત અનેક અંગત સ્વજનોથી પણ છૂપાવી હતી. હેમાએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રના ચાહકોને તેમના અંતિમ દર્શનની તક ન મળી તેનો મને પણ અફસોસ છે. પરંતુ, ધર્મેન્દ્રની ઈચ્છાને યાદ રાખીને એ પ્રમાણે પરિવારજનોએ અંતિમ સંસ્કારનો નિર્ણય લીધો હતો.ઉલ્લેખનીય છે કે ગયાં સપ્તાહે ધર્મેન્દ્રનો પાર્થિવ દેહ સ્મશાને અંતિમવિધિ માટે લઈ જવાયો ત્યારે જ લોકોને તેમના અવસાનની જાણ થઈ હતી. ધર્મેન્દ્રના અંતિમ દર્શનની તક આપવા જેવી હતી અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવા જેવા હતા તેવો વસવસો અનેક ચાહકોએ વ્યક્ત કર્યો હતો.

