પાકિસ્તાન પ્રયોજિત આતંકવાદ પર આધારિત હિન્દી ફિલ્મ ‘ધુરંધર’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. સમીક્ષકો અને દર્શકો દ્વારા એકસમાન પ્રશંસા પામી રહેલી આ ફિલ્મે એક બલુચિસ્તાનના લોકોમાં નારાજગી અને વિરોધ સર્જ્યો છે. આ ફિલ્મમાં બલોચ પ્રજાને નકારાત્મક રીતે ચિત્રિત કરવા બદલ તેમના રાષ્ટ્રવાદીઓ નેતાઓ અને કાર્યકરો ખૂબ જ નારાજ છે.
ચાલો, જાણીએ તેમની નારાજગીનું કારણ શું છે અને ફિલ્મમાં એમના વિશે એવું તો શું દેખાડ્યું છે?

બલોચ પ્રજા આતંકવાદની સમર્થક નથી
બલોચ નેતાઓ દાવો કરી રહ્યા છે કે ફિલ્મમાં દેખાડ્યું છે એ મુજબ બલોચ પ્રજાએ ક્યારેય આતંકવાદને સમર્થન નથી આપ્યું. તેઓ પોતે પાકિસ્તાની શાસન અને દમનના ભોગ બન્યા છે અને તેમણે ક્યારેય ભારત વિરુદ્ધ ISI સાથે હાથ મિલાવ્યો નથી કે તેનો ટેકો આપ્યો નથી.
ફિલ્મમાં અસત્યતા દર્શાવાઈ હોવાનો આરોપ
ફિલ્મના એક દ્રશ્યમાં બલોચ પાત્રોને 26/11ના મુંબઈ આતંકી હુમલાની ‘ઉજવણી’ કરતા બતાવાયા છે. બલોચ નેતાઓ અને કાર્યકર્તાઓએ એ ચિત્રણને ઐતિહાસિક રીતે ખોટું અને અન્યાયી ગણાવતાં કહ્યું છે કે, બલોચ સમુદાય પોતે પાકિસ્તાની સેના અને ગુપ્તચર સંસ્થા ISI દ્વારા દાયકાઓથી દમન, અપહરણ અને અત્યાચારનો ભોગ બનતો રહ્યો છે. ફિલ્મમાં દેખાડ્યું છે એમ અમે ક્યારેય ભારત વિરોધી આતંકવાદમાં પાકિસ્તાનનો સાથ નથી આપ્યો કે ભારત વિરુદ્ધ પાકિસ્તાની આતંકી હુમલાની ઉજવણી નથી કરી.
વફાદારી પર સવાલઃ ‘મગર કરતાં ઓછા વિશ્વસનીય?’
ફિલ્મમાં એક સંવાદ એવો છે કે, ‘તમે મગર પર વિશ્વાસ કરી શકો છો, પણ બલોચ પર નહીં.’ બલોચ સમુદાયને આ સંવાદ અપમાનજનક અને આઘાતજનક લાગ્યો છે, કેમ કે બલોચ સંસ્કૃતિ અને રિવાજો મહેમાનનવાજી અને વફાદારી જેવા ઊંચા સદગુણો માટે જાણીતી છે. એક પ્રચલિત બલોચ કહેવત છે કે, ‘જો કોઈ બલોચ તમારા ઘરે એક ગ્લાસ પાણી પણ પી જાય છે તો તે એક સદી એટલે કે એની આંખી જિંદગી માટે તમારી ઋણી બની જાય છે.’
કહેવાનો અર્થ એ કે કોઈની નાનકડી મદદ બદલ પણ બલોચ લોકો પોતાની વફાદારી એમને નામે લખી દે છે. આવી સંસ્કૃતિના લોકો પર ફિલ્મમાં ‘વિશ્વાસઘાત’નો આક્ષેપ લગાવાયો છે એ એમને એમની સાંસ્કૃતિક ઓળખ પર હુમલો સમાન લાગ્યો છે. બલોચ નેતાઓનું કહેવું છે કે, જો ફિલ્મના નિર્માતાઓએ યોગ્ય સંશોધન કર્યું હોત, તો તેઓ આવો સંવાદ લખીને એક જનસમુદાયને નારાજ કરવાથી બચી શક્યા હોત.
બલુચિસ્તાનનો દમન અને શોષણથી ભરેલો સંઘર્ષ
એ વાત તો બહુ જાણીતી છે કે બલોચ લોકો દાયકાઓથી પાકિસ્તાનથી અલગ થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમનો ઇતિહાસ રાજકીય દમન અને શોષણથી ભર્યો પડ્યો છે.
1948માં બળજબરીથી વિલીનીકરણ: બ્રિટિશ સમયગાળામાં હાલનું બલુચિસ્તાન ‘કલાત પ્રદેશ’ તરીકે ઓળખાતું, જે અર્ધ-સ્વાયત્ત હતું. એટલે કે તેના પર અંગ્રેજોનું સંપૂર્ણ નિયંત્રણ નહોતું. સ્વતંત્રતા પછી એ પ્રદેશે પોતાને એક સ્વતંત્ર દેશ જાહેર કર્યો, પણ થોડા જ સમયમાં પાકિસ્તાને બલોચ પ્રજાના અભિપ્રાય અથવા સંમતિ વિના તેને પોતાનામાં ભેળવી દીધો. સૈન્ય દબાણ અને કપટથી વિલીનીકરણ પામ્યા પછી બલુચિસ્તાનના અનંત સંઘર્ષની શરૂઆત થઈ.
સાંસ્કૃતિક દમન અને માનવાધિકાર ઉલ્લંઘન: વિલીનીકરણ પછી પાકિસ્તાને બલુચ પ્રજાની ભાષા, સંસ્કૃતિ અને રિવાજોનું દમન કરીને તેમના પર પોતાની સંસ્કૃતિ, ભાષા અને રિવાજો લાદવાનું શરૂ કર્યું. વિરોધ કરનારા માનવાધિકાર કાર્યકરોને જેલમાં ધકેલી દેવાયા, તો કેટલાકને કાયમ માટે અદૃશ્ય કરી દેવાયા. બલોચ પ્રજા નકલી એન્કાઉન્ટર, યુવતીઓના અપહરણ અને પ્રેસ પર પ્રતિબંધ જેવા દમનનો ભોગ બનતી રહી. માનવાધિકારોનું પાકિસ્તાની સૈન્યે અહીં બેફામ ઉલ્લંઘન કર્યા કર્યું. આજે પણ આ બધું ચાલુ છે.

