આદિત્ય ધરની ‘ધુરંધર’ રિલીઝ થઈ ત્યારથી ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મના વિષયથી લઈને એના કન્ટેન્ટ, એની એક્શન, એની એક્ટિંગ દરેક વસ્તુ ચર્ચાનો વિષય બની છે. એન્ટી-પાકિસ્તાન ફિલ્મ હોવાથી લઈને એને સંપૂર્ણ મિડલ ઈસ્ટમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. જોકે આ ફિલ્મમાં ‘બડે સાહબ’નો ઘણી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ એને સ્ક્રીન પર દેખાડવામાં નથી આવ્યો એથી લોકોમાં એને લઈને ઘણું કૂતુહલ છે. દર્શકોમાં સવાલ છે કે આ ‘બડે સાહબ’ કોણ છે, જેને સંજય દત્તનું પાત્ર એસપી ચૌધરી અસલમ ઘણી વાર ઉલ્લેખ કરે છે.

શું છે ઇન્ટરનેટની થિયરીઝ?
આ ફિલ્મની રિલીઝ બાદ લોકો ‘ધુરંધર’ની સ્ટોરી લાઇન અને રિયલ લાઇફ સ્ટોરી વચ્ચે શું સમાનતા છે અને શું અલગ છે એની અટકળો લગાવી રહ્યાં છે. આ વિશે સોશિયલ મીડિયા પર લોકોની થિયરી છે કે ‘બડે સાહબ’નું પાત્ર દાઉદ ઇબ્રાહિમ અથવા તો ‘મસૂદ અઝહર’ પરથી પ્રેરિત હોઈ શકે છે. ઘણાં લોકો કહી રહ્યાં છે કે આ હિન્ટ મેકર્સ દ્વારા લોકોમાં કૂતુહલ ઊભું કરવા માટે આપવામાં આવી છે.લોકોમાં અટકળો ત્યારે વધી જ્યારે ફિલ્મની એન્ડ ક્રેડિટ અને વિકિપીડિયાની કાસ્ટ લિસ્ટિંગમાં દાઉદ ઇબ્રાહિમનું પાત્ર એક્ટર દાનિશ ઇકબાલ દ્વારા ભજવવામાં આવ્યું છે એમ કહેવામાં આવ્યું છે. ફિલ્મમાં પાત્ર વિશે કોઈ દૃશ્ય નથી, પરંતુ ફિલ્મના ચાહકોનું માનવું છે કે લોકોમાં કૂતુહલ બનેલું રહે એ માટે મેકર્સ દ્વારા આ નામને જાણી જોઈને રાખવામાં આવ્યું છે.
સ્ટોરીમાં છોડવામાં આવી છે હિન્ટ
કેટલાક દર્શકોનું માનવું છે કે ફિલ્મની શરૂઆતમાં IC 814નું હાઇજેકિંગની વાત કરવામાં આવી છે ત્યારે એને ‘બડે સાહબ’ સાથે કનેક્ટ કરી શકાય છે જે મસૂદ અઝહર હોઈ શકે છે. જોકે ઘણાં લોકો કહી રહ્યાં છે કે ફિલ્મમાં નાણાકીય અને ક્રિમિનલ કામને લઈને જે રીતે વાત કરવામાં આવે છે એ હિસાબે દાઉદ ઇબ્રાહિમ બંધબેસે છે.કેટલાક લોકો એવી થિયરી આપી રહ્યાં છે કે આ કોઈ ચોક્કસ વ્યક્તિ નહીં, પરંતુ એક સત્તાકીય સ્ટ્રક્ચરનો પ્રતિનિધિ હોય એવું લાગી રહ્યું છે. રાજકારણ અથવા તો ગુનાહિત જગત અને ગુપ્તચર ક્ષેત્રમાં કોઈ વ્યક્તિનું વધુ પ્રભુત્વ હોય એના વિશે વાત કરવામાં આવી રહી હોય એવું પણ લાગી રહ્યું છે.
જાણી જોઈને રાખવામાં આવ્યું છે રહસ્ય?
આ ચર્ચાએ હવે એ જોર પકડ્યું છે કે ‘ધુરંધર’ની સીક્વલમાં હવે શું વાત કરવામાં આવશે. આ પાત્રને લઈને બે પાર્ટ બની ગયા છે. કેટલાકનું કહેવું છે કે એને બીજા પાર્ટમાં જાહેર કરવામાં આવશે. તો કેટલાકનું માનવું છે કે આ પાત્રને દેખાડવામાં નહીં આવે અને એને ઓફ સ્ક્રીન રાખીને જ કામ કઢાવવામાં આવશે. ‘ધુરંધર’માં જે રીતે વાસ્તવિક સ્ટોરી પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી હોવાથી બીજા પાર્ટ પર સૌની નજર છે. એમાં આ પાત્ર પરથી પરદો ઉઠાવવામાં આવે કે પછી એને હજી પણ રહસ્ય રાખવામાં આવશે એ જોવું રહ્યું.

