સલમાન ખાન એક નંબરનો ગુંડો છે તેવો આરોપ કરનારા ‘દબંગ’ સહિતની ફિલ્મોના ડાયરેક્ટર અભિનવ કશ્યપે હવે રણબીર કપૂર પર આરોપ મૂકતાં કહ્યું છે કે રણબીરે ‘બેશરમ’ ફિલ્મમાં કેટરિનાને જ કાસ્ટ કરવા માટે બહુ દબાણ કર્યું હતું.

અભિનવ કશ્યપ દિગ્દર્શિત ‘બેશરમ’ રણબીરની સંદતર ફલોપ ગયેલી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં છેવટે હિરોઈન તરીકે પલ્લવી શારદાની પસંદગી થઈ હતી. રણબીરે પણ બાદમાં આ ફિલ્મ કરવા બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો. અભિનવ કશ્યપના આરોપ અનુસાર તેને ફિલ્મ માટે મૌલિક પંજાબી લઢણમાં બોલી શકે તેવી અભિનેત્રીની જરુર હતી. આથી તે સોનાક્ષી સિંહાની પસંદગી કરવા માગતો હતો. પરંતુ, રણબીરે ધરાર કહી દીધું હતું કે પોતે સોનાક્ષ સાથે કામ કરવા ઈચ્છૂક નથી. તે વખતે રણબીર અને કેટરિના રિલેશનશિપમાં હોવાથી રણબીરે કેટરિનાને જ કાસ્ટ કરવા દુરાગ્રહ સેવ્યો હતો. આ રોલ માટે તાપસી પન્નુએ પણ ઓડિશન આપ્યું હતું.

