મુંબઈમાં ફિલ્મ કલાકારો એરપોર્ટ, કોઈ સ્ટુડિયો કે નિર્માતાની ઓફિસ આસપાસ કે પછી કોઈ રેસ્ટોરાં બહાર પાપારાઝીઓને અનાયાસે મળતા નથી પરંતુ સોશિયલ મીડિયા પર સતત છવાયેલા રહેવા માટે કલાકારો સામે ચાલીને આ પાપારાઝીઓને પોતાના લોકેશન તથા ગતિવિધિની જાણ કરતા હોય છે. રણબીર કપૂર પણ પબ્લિસિટી માટે આ ટ્રીક અજમાવતો હોવાનું ખુલ્લું પડી ગયું છે. તાજેતરમાં રણબીર ફિલ્મ સર્જક સંજય લીલા ભણશાળીની ઓફિસે પહોંચ્યો તો તેના ફોટા પાડવાનો પ્રયાસ કરી રહેલા પાપારાઝીઓને સિક્યુરિટી ગાર્ડે અટકાવ્યા હતા. આ સમયે ઉકળી ઉઠેલા પાપારાઝીઓએ કહ્યું હતું કે અમે જાતે અહીં આવ્યા નથી પરંતુ રણબીરની ટીમ તરફથી બોલાવાયા છે.

તેમણે ગાર્ડને રણબીરની ટીમ તરફથી મળેલા મેસેજ પણ દેખાડયા હતા. આ ઘટનાક્રમથી ભોઠાં પડેલા રણબીરે બાદમાં ગાડીમાંથી ઉતરીને પાપારાઝીઓ સમક્ષ પોઝ આપ્યો હતો.હજુ તાજેતરમાં જ કરીના કપૂરે એવી બડાશ હાંકી હતી કે કપૂર ખાનદાનના કોઈ કલાકારોને પાપારાઝીઓની ગરજ નથી. અમે સામે ચાલીને અમારાં લોકેશન્સ તેમને જણાવતા નથી. પરંતુ, આ ઘટના બાદ તેમનો દંભ ખુલ્લો પડી ગયો છે.
રણબીર પણ અન્ય કલાકારોની જેમ સામે ચાલીને પાપારાઝીઓને પોતાના ફોટા માટે બોલાવતો હોવાનું પુરવાર થઈ ગયું છે.

