રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર’ અટકાવવા અશોક ચક્ર વિજેતા મેજર મોહિત શર્માના પરિવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે આ ફિલ્મ મેજર શર્માની જીવનકથા પર આધારિત છે અને તે માટે તેમની પરવાનગી લેવાઈ નથી.

જોકે, ફિલ્મ સર્જક આદિત્ય ધરે આ ફિલ્મ મેજર મોહિત શર્માની બાયોપિક હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ ફિલ્મ એક અલગ જ કથાનક પર આધારિત છે. આદિત્ય ધરે કહ્યું હતું કે ભવિષ્યમાં તક મળશે તો પોતે મેજર મોહિત શર્મા પર અલગ બાયોપિક બનાવશે અને તે માટે પરિવારની આગોતરી પરવાનગી પણ લેશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રજૂ થયેલી આદિત્ય ધરની પત્ની યામી ગૌતમની શાહબાનો કેસ પર આધારિત ફિલ્મ ‘હક્ક’ સામે પણ શાહબાનોના પરિવારજનોએ વાંધો લીધો હતો.
રણવીરને પોતાની ડામાડોળ થઈ ચૂકેલી કેરિયર માટે ‘ધુરંધર’ ફિલ્મ પર બહુ આશા છે. જો આ ફિલ્મને ધારી સફળતા નહિ મળે તો તેની કારકિર્દીનો ગ્રાફ વધુ નીચે ઉતરશે.

