બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની મુશ્કેલીઓ વધી ગઇ છે. ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’ પર એક ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીરે એવી ટિપ્પણી કરી હતી કે જેનાથી ભારે વિવાદ સર્જાયો હતો. હકીકતમાં, ઋષભે તે ફિલ્મમાં દેવી ચામુંડેશ્વરીનો રોલ નિભાવ્યો હતો, જેની રણવીરે મઝાક ઉડાડી હતી. જે પછી તેની ભારે ટીકા થઇ હતી, વિવાદ વધતાં રણવીરે માફી પણ માંગી હતી. જો કે, તેની માફીથી પણ કોઇ ખાસ ફરક પડ્યો નથી. હવે આ રણવીર સિંહ સામે ધાર્મિક લાગણી દુભાવવા, દૈવ પરંપરાનું અપમાન કરવા અને હિન્દુ આસ્થાની મઝાક ઉડાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ?
હાલમાં જ ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ના મંચ પર રણવીર સિંહે ‘કાંતારા’ના મુખ્ય અભિનેતા રિષભ શેટ્ટી સામે ‘દૈવ એક્ટ’ની મિમિક્રી કરી હતી. આ એક્ટ ચામુંડા દેવીના નૃત્ય પર આધારિત છે. આ કારણસર અનેક હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હતી અને સોશિયલ મીડિયામાં રણવીર સિંહની આકરી ટીકા શરૂ થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે હિન્દુ જનજાગૃતિ સમિતિ સહિત અનેક સંગઠનોએ ‘ચામુંડા દેવી’નું અપમાન કરવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.
રિષભ શેટ્ટીએ જાહેરમાં રોક્યો હતો
‘કાંતારા’ ફિલ્મના મુખ્ય અભિનેતા અને ડિરેક્ટર રિષભ શેટ્ટી છે. ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં મંચ પર તેમની સામે જ રણવીર સિંહે દૈવ એક્ટની મિમિક્રી કરી હતી. એ જ વખતે રિષભ શેટ્ટીએ વિનમ્રતાથી તેને રોક્યો હતો, પરંતુ રણવીર સિંહે કંઈ સમજ્યા વિના મિમિક્રી ચાલુ રાખી હતી.
આખરે, રણવીર સિંહે માફી માંગી
આ ઘટના પછી રણવીર સિંહની સોશિયલ મીડિયા સહિત ચોતરફ ભારે ટીકા થઈ હતી. તેથી આખરે તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને માફી માંગી છે. રણવીર સિંહે કહ્યું છે કે, ‘મારો ઇરાદો કોઈની પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું તો માત્ર ફિલ્મમાં રિષભ શેટ્ટીના જબરદસ્ત પર્ફોર્મન્સની પ્રશંસા કરી રહ્યો હતો. એક અભિનેતા જ સમજી શકે છે કે આવી કલા પ્રસ્તુત કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે. હું દેશની પરંપરાઓ અને સંસ્કૃતિઓનું સન્માન કરું છું. જો મારાથી કોઈની લાગણી દુભાઈ હોય, તો તેના માટે હું દિલથી માફી માંગુ છું.’

