રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી રિંકી ખન્નાની પુત્રી નાઓમિકા બોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે. તેને આગામી ફિલ્મમાં વેદાંગ રૈના સાથે લોન્ચ કરવામાં આવશે. આ સાથે રાજેશ ખન્ના તથા ડિમ્પલની ત્રીજી પેઢી ફિલ્મ કારકિર્દી શરુ કરશે. નાઓમિકા છેલ્લા કેટલાય સમયથી પાપારાઝીઓની ફેવરિટ બની ચૂકી છે. તેના કારણે સોશિયલ મીડિયા પર સતત તે છવાયેલી રહે છે. તેના ડેબ્યૂની ચર્ચા પણ લાંબા સમયથી ચાલે છે. અત્યારથી જ નાઓમિકાએ તેનો આગવો ફેન બેઝ પણ ક્રિએટ કરી લીધો છે.

ડિમ્પલની બંને દીકરીઓ ટ્વિંકલ તથા રિંકાએ બોલીવૂડમાં જુજ ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, બંને ક્યારેય ટોચની એકટ્રેસ બની ચૂકી ન હતી. અલબત્ત, ટ્વિંકલ આજે અક્ષય કુમારની પત્ની કરતાં પણ એક કોલમ રાઈટર અને લેખક તરીકે વધારે સુપ્રસિદ્ધ છે.
રિંકી ખન્ના બહુ મહત્વકાંક્ષી અભિનેત્રી હતી. તેણે ‘પ્યાર મેં કભી કભી’ અને ‘જિસ દેશમેં ગંગા રહતા હ’ૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
રામ ગોપાલ વર્માએ તેને ફિલ્મ ‘કંપની’માં લીધી હતી.પરંતુ પછીથી તેને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી હતી અને તેના સ્થાને મનીષા કોઇરાલાને ગોઠવી દેવામાં આવી હતી. જેથી તેનો અહમ ઘવાયો હતો અને તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તે લગ્ન કરી ઠરીઠામ થઈ ચૂકી છે.

