કરોડોના ડ્રગ્સ રેકેટમાં ઓરી બાદ વધુ એક સ્ટારકિડનું નામ સામે આવ્યું છે. જેમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. રૂ.250 કરોડના ડ્રગ્સ રેકેટમાં સોશિયલ મીડિયા સ્ટાર ઓરહાન અવત્રમણિ ઓરીનું નામ સામે આવતાં મુંબઈ પોલીસે તેને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. હવે આ મામલે એન્ટિ-નાર્કોટિક્સ સેલે સિદ્ધાંતને પણ સમન્સ મોકલ્યું છે.

શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં, મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC)એ એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં દાઉદ ઈબ્રાહિમના સહયોગી સલીમ ડોલા દ્વારા સંચાલિત કર્યો હોવાનું જણાય છે. આ નેટવર્ક ભારતના 7-8 રાજ્યોમાં મેફેડ્રોન(MCAT), મ્યાઉ મ્યાઉ અને આઈસ જેવા ખતરનાક સિન્થેટિક ડ્રગ્સ સપ્લાય કરતું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મોટાપાયે વિદેશમાં પણ ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી હતી. સલીમ ડોલાના પુત્ર તાહિર ડોલાને આ વર્ષે ઓગસ્ટમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી દેશનિકાલ કરવામાં આવ્યો ત્યારે આ સિન્ડિકેટની જાણકારી સામે આવી હતી. જેમાં પૂછપરછ દરમિયાન તાહિરે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.તાહિરે જણાવ્યું કે, તેમના દ્વારા આયોજિત હાઇ-પ્રોફાઇલ ડ્રગ્સ પાર્ટીઓમાં બોલિવૂડ, અંડરવર્લ્ડ અને રાજકારણ સાથે જોડાયેલા લોકો હાજરી આપતા હતા. આ કેસમાં પહેલું નામ ઉભરી આવ્યું તે ઓરીનું હતુ. શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરનું પણ વારંવાર હાજરી આપનારા તરીકે નામ આપવામાં આવ્યું હતું. રેપર લોકા (Loka), ફિલ્મ નિર્માતા અબ્બાસ-મસ્તાન અને મોડલ અલીશા પારકરના નામ પણ સામે આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, ડ્રગ્સ પાર્ટીઓ ફક્ત મુંબઈ અને ગોવા સુધી મર્યાદિત નહોતી. કેટલીક દુબઈ અને થાઇલેન્ડમાં પણ યોજાઈ હતી, જ્યાં ભારતીય મૂળના વેપારીઓ દ્વારા ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. આ કેસ હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ ચાલી રહી છે.
કેસમાં સંડોવાયેલા હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓને સમન્સ પાઠવવાશે
EDને શંકા છે કે, ડ્રગ્સની હેરાફેરીથી કમાયેલા પૈસા હવાલા અને રિયલ એસ્ટેટ દ્વારા લોન્ડર કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આ કેસમાં સંડોવાયેલા તમામ હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓને પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવશે. તપાસ એજન્સીઓએ સંકેત આપ્યો છે કે, આ કેસના સંદર્ભમાં બોલિવૂડ અને રાજકીય જગતના વધુ નામો બહાર આવી શકે છે. સલીમ અને તાહિર ડોલાના નેટવર્કના નાણાકીય વ્યવહારોની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીના કેસ અંગે શું છે અપડેટ?
તાજેતરમાં, ઓરીને પણ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. જોકે, ઓરીએ જણાવ્યું હતું કે તે ભારતની બહાર છે અને 25 તારીખ પછી જ પૂછપરછ માટે હાજર થઈ શકશે. પરિણામે ઓરીને હવે મંગળવારે ઘાટકોપર યુનિટમાં પૂછપરછ માટે હાજર રહેવું પડશે. સિદ્ધાંત કપૂરને પણ સમન્સની લિસ્ટમાં ઉમેરવામાં આવ્યો છે.નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડ પર ડ્રગ્સના દુરુપયોગ અને આવી પાર્ટીઓના ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો હતો. ક્લબ પાર્ટીઓમાં ડ્રગ્સના ઉપયોગ અંગે ઘણા લોકોએ ખુલાસાઓ કર્યા હતા. વધુમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ક્રુઝ પાર્ટીમાં અટકાયત કરવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે, ક્રુઝ પર કેટલાક લોકો ડ્રગ્સ સાથે પકડાયા હતા. આર્યને થોડો સમય જેલમાં પણ વિતાવ્યો હતો, અને તેણે તેની દિગ્દર્શક ફિલ્મ “બેડ્સ ઓફ બોલિવૂડ” માં આ મુદ્દે ઉલ્લેખ કર્યો હતો.

