BOLLYWOOD : સૂર સામ્રાજ્ઞી ‘આશા ભોસલે’ 92 વર્ષે સૂરોમાં સમાઈ ગયા

0
15
meetarticle

83 વર્ષની કેરિયરમાં ૨૦થી વધુ ભાષામાં ૧૨૦૦૦થી વધુ ગીતો ગાઈને, બોલિવુડના ૧૯૫૦-૬૦ના દાયકાના  સંગીતમય સુવર્ણયુગથી માંડીને ક્લબ, કેબરે ડાન્સ, વેસ્ટર્ન ધૂનો પરના થિરકાટ, ગઝલો, કવ્વાલી, અર્થગાંભીર્ય ધરાવતી અટપટી ધૂનો, પોપ કલ્ચર અને વિદેશી ગાયકો સાથેના કોલબરેશનથી અનેક પેઢીનો ડોલાવનારી, થિરકાવનારી, મધુબાલાથી સાધના, રેખા , ઝિન્નત, ઉર્મિલા માતોંડકર સુધીની હિરોઈનોને કંઠ આપનારી બોલિવુડના સૌથી નશીલા   અને નટખટ અવાજની માલિકણ આશા ભોસલેનું આજે ૯૨ વર્ષની વયે મુંબઈમાં નિધન થતાં  હિંદી સિને સંગીતના એક સુવર્ણ યુગનો આજે અંત આવ્યો હતો. ગઈકાલે રાતે  ચેસ્ટ ઈન્ફેક્શનને પગલે હોસ્પિટલ લઈ જવાયા બાદ આશા તાઈના લાડકાં નામે જાણીતાં આશા ભોસલેએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા  ત્યારે ૧૮થી માંડીને ૮૦ વર્ષની વયજૂથના તેમના દરેક પેઢીના  ચાહકો એક અવાજે  તેમનાં જ ગીત ‘અભી ના જાઓ છોડકર કિ દિલ અભી ભરા નહીં’ ગાઈને રડી પડયા હતા. આવતીકાલે મુંબઈમાં  દાદરમાં શિવાજી પાર્ક ખાતે  સંપૂર્ણ સન્માન સાથે તેમનાં અંતિમ સંસ્કાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક મહાનુભવો, રાજકીય નેતાઓ, સંગીતકારો, ઉદ્યોગપતિઓ તથા સમગ્ર બોલિવુડ જગતના નાનામોટા કલાકાર કસબીઓએ આજે તેમને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી. આશા ભોસલે એક એવાં  કલાકાર હતાં જેણે સમય, ઉંમર, ટ્રેન્ડ, પેઢી જેવી મર્યાદાઓને હંમેશાં અતિક્રમી હતી. વિશેષણોનો આખો શબ્દ  કોશ ખુટી પડે તે હદે વિવિધ જોનરનાં  ગીતો ગાઈને તેમણે દરેક વર્ગ અને વયજૂથના ચાહકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. હજુ છેક હમણા સુધી  તેમણે કોન્સર્ટ કરવાના ચાલુ રાખ્યા હતા. નવા નવા કલાકરો, નવા નવા  સંગીતકારો સાથે  તેઓ સતત કોલબરેટ કરતાં રહ્યાં  હતાં. આથી જ આજે ઘરઘરમાં દાદા-દાદી, મમ્મી-પપ્પા અને ટીનેજર  સંતાનો સહિતના ચાહકોએ પણ તેમનાં નિધનથી  આંચકો અનુભવ્યો હતો. 

વડલાની છાયામાં અન્ય કોઈ વૃક્ષ પાંગરી ન શકે  તેવી કહેવત ખોટી પાડી ઘરમાં જ ભારતની કોકિલકંઠી સ્વરકિન્નરી દીદી લત્તા મંગેશકરની હાજરીમાં જ આશા ભોંસલેએ પોતાની વર્સેટિલિટીથી  એક કેડી જ નહીં પરંતુ એવો  રાજમાર્ગ  કંડાર્યો કે જેમણે તેમને ભારતીય હિન્દી સંગીતના સદાબહાર સૌથી  લોકપ્રિય ગાયકો લત્તા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી  અને મુકેશની હરોળમાં મૂકી દીધાં  હતાં. એ યુગના એ છેલ્લાં મશાલચી હતી જેમનો જીવનદીપ આજે બૂઝાઈ ગયો  હતો. 

આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ આજે સવારે મીડિયાને જણાવ્યું હતું કે મારા માતાનું નિધન  થયું છે. ચાહકો  લોઅર પરેલ ખાતેના અમારા નિવાસસ્થાને તેમનાં અંતિમ દર્શન  કરી શકશે. આવતીકાલે સાંજે  ચાર વાગ્યે તેમના અંતિમ સંસ્કાર થશે. તેમના નિધનના સમાચાર પ્રસરતાં જ સાઉથ મુંબઈની હોસ્પિટલ ખાતે અને બાદમાં તેમના નિવાસસ્થાને ચાહકો ઉમટવા  શરુ થયા હતા. દેશવિદેશની સેલિબ્રિટીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ આશા ભોસલેએ ગાયેલાં  પોતાના ફેવરિટ ગીતોની યાદી અને લિંક્સ આપીને ટાઈમલાઈન્સ છલકાવી  દીધી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યુું  હતું કે  દાયકાઓમાં પથરાયેલી તેમની અસાધારણ સૂરોની સફરે ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ  કરી છે અને સમગ્ર વિશ્વના અગણિત દિલોની સંવેદનાઓને સ્પર્શ કર્યો છે.  ૧૯૪૩માં કેવળ ૧૦ વર્ષની  વયે તેમણે મરાઠી ફિલ્મ ‘માઝા  બાલ’માં  પોતાનો કંઠ આપ્યો હતો. તે પછી છેક હજુ હમણા સુધી એટલે કે ૨૦૨૫ સુધી તેમણે ગીતો ગાવાનું અટકાવ્યું ન હતું. ૧૨૦૦૦થી વધુ ગીતો ગાવાના કારણે તેમની  સમગ્ર કારકિર્દીનો સંગ્રહ કરવાનું લગભગ  મુશ્કેલ છે. કદાચ  વિશ્વના  સંગીત ઈતિહાસમાં સૌથી સુદીર્ઘ સંગીત કારકિર્દી  ધરાવનારાં  કલાકારોમાં તેમનું સ્થાન છે. વિશ્વમાં સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.  ‘આઈયે મહેરબાન’, ‘પિયા તુ અબ તો આજા’ , ‘દમ મારો દમ’ થી માંડીને ‘દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજિયે’,’ મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ’, ‘દેખા તેરી મસ્ત નિગાહોં મે’, ‘રાધા કૈસે ન જલે’, ‘  તન્હા  તન્હા યહાં પે જીના’,  સહિતનાં ગીતોનાં વૈવિધ્ય દ્વારા તેમણે તમામ કક્ષાના સંગીત ચાહકોને મુગ્ધ કર્યા હતા.  બોલિવુડની લિજન્ડરી ત્રિપૂટી કિશોક કુમાર, મુકેશ અને મોહમ્મદ રફી સાથે તેમણે અનેક યાદગાર ડયુએટ્સ ગાયાં છે. 

આશા ભોસલેનો જન્મ ૧૯૩૩ની આઠમી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામ્ થયો હતો. પિતા દિનાનાથ મંગેશકર પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. આશા ભોસલેએ ૧૬ વર્ષની વયે ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યાં  હતાં. લગ્ન  વિચ્છેદ  બાદ તેમણે એકલે હાથે ત્રણ સંતાનોને ઉછેર્યાં હતાં. છેક ૧૯૮૦માં તેમણે તેમનાથી છ વર્ષ નાના આર. ડી. બર્મન સાથે  લગ્ન કર્યાં હતાં. જોકે, ૧૯૯૪માં આર.ડી.   બર્મનનું  પણ નિધન થયું હતું.  હજુ ૨૦૨૩માં તેમના ૯૦માં જન્મદિન નિમિત્તે ેતેમણે દુબઈમાં કોન્સર્ટ યોજી હતી તેમાં વિક્કી કૌશલનાં ‘તૌબા તૌબા’ ગીત પર ડાન્સ કરીને ચાહકોને હેરત પમાડી હતી. તેમનું છેલ્લું ગીત  ‘ધી શેડો  લાઈટ’ ગોરીલાઝ નાં આલ્બમ ‘ધી માઉન્ટેન’ માટે  બન્યું હતું. આ આલ્બમ હજુ આ વર્ષની ૨૭મી ફેબુ્રઆરીએ જ રીલિઝ થયું છે.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here