રણવીર સિંહે ફરહાન અખ્તરની ‘ડોન થ્રી ‘ છોડી દીધી હોવાનો આંચકો શમે તે પહેલાં તો અક્ષય ખન્નાએ ‘દ્રશ્યમ થ્રી’ છોડી દીધી હોવાની વાત બહાર આવી છે.

કહેવાય છે કે ‘ધુરંધર’ના કારણે એકદમ લાઈમલાઈટમાં આવી ગયેલા અક્ષય ખન્નાએ ‘દ્રશ્યમ થ્રી’ના નિર્માતાઓ પાસે વધુુ ફીની માગણી કરી હતી. આ મુદદે મતભેદો થતાં તેણે ફિલ્મ છોડી દીધી છે.
એમ પણ કહેવાય છે કે અક્ષય ખન્નાએ સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારો પણ સૂચવ્યા હતા. જોકે, ફિલ્મ સર્જકોએ આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી. એક ચર્ચા એવી છે કે અક્ષયની હવે વધેલી લોકપ્રિયતાનો લાભ લેવા તેને ફિલ્મમાં કોઈપણ ભોગે જાળવી રાખવા માટે નિર્માતાઓએ તેની સાથે ફરી વાટાઘાટો આદરી છે.
હજુ એક દિવસ પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા કે ‘દ્રશ્યમ થ્રી’માં શ્રેયસ તળપદેની પણ એન્ટ્રી થઈ છે.
જોકે, તેને અક્ષય ખન્નાની એક્ઝિટ સાથે સંબંધ છે કે પછી તેનું એક નવું જ પાત્ર ઉમેરાયું છે તે વિશે ચોક્કસ જાણી શકાયું નથી.

