વર્ષ 2025માં ગુજરાતી સિનેમાએ એક એવો ઇતિહાસ રચ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ખૂબ જ ઓછા બજેટમાં બનેલી ફિલ્મ ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’એ બોક્સ ઑફિસ પર ₹100 કરોડથી વધુની કમાણી કરીને વર્ષની સૌથી વધુ નફો કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મની સફળતા એટલી મોટી હતી કે તેને હવે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી છે.

23 લોકોની બચાવી જાન: આત્મહત્યાના વિચારો ત્યાગી જીવવાની મળી આશા
ડિરેક્ટરે અંકિત સખિયાએ એક અત્યંત ભાવુક વાત શેર કરતાં જણાવ્યું કે, આ ફિલ્મ માત્ર મનોરંજન નથી પણ લોકો માટે સંજીવની સાબિત થઈ છે. તેમને 23 એવા લોકોના મેસેજ મળ્યા જેમણે સ્વીકાર્યું કે તેઓ આત્મહત્યા કરવાના હતા, પરંતુ આ ફિલ્મ જોયા પછી તેમને જીવવાની નવી આશા મળી અને તેઓ હીલ થયા. લોકો થિયેટરમાં ફિલ્મ જોઈને રડતા હતા અને પોતાના દુઃખ હળવા કરતા હતા. આ જ કારણથી આ મેસેજ આખા ભારત સુધી પહોંચાડવા માટે ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો.
શરુઆતમાં કોઈ જોવા નહોતું ગયું, પછી બની બ્લોકબસ્ટર
ફિલ્મની શરુઆત ખૂબ જ ધીમી હતી અને કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. પરંતુ ધીમે-ધીમે ‘માઉથ પબ્લિસિટી'(લોકોએ એકબીજાને વાત કરી)ના કારણે ભીડ વધવા લાગી. અંકિતના મતે, આ ફિલ્મની સફળતા પાછળ લોકોનો ઇમોશનલ કનેક્ટ અને એક ‘દૈવી ઊર્જા’ જવાબદાર છે જે લોકોને સ્પર્શી ગઈ.
શું છે ફિલ્મની વાર્તા?
‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ એક ગરીબ રિક્ષાવાળાની વાર્તા છે, જે અચાનક એક ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે. મુશ્કેલ પરિસ્થિતિમાં તે ભગવાન શ્રીકૃષ્ણની મદદ માંગે છે અને તેમના માર્ગદર્શનથી કેવી રીતે તેની આખી જિંદગી બદલાય છે અને તે પોતાના ભૂતકાળના દુઃખમાંથી બહાર આવે છે, તેની આ સુંદર મુસાફરી છે.
