હૃતિક રોશન, ફરહાન અખ્તર તથા અભય દેઓલની ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ની સીકવલ બની રહી હોવાનું કન્ફર્મ થઈ ગયું છે. સર્જક ઝોયા અખ્તરે આ સીકવલની સ્ક્રિપ્ટ પણ ફાઈનલ કરી દીધી છે.

ઝોયા ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો હૃતિક, ફરહાન તથા અભય દેઓલને જ રીપિટ કરવા માગે છે. જોકે, આ ત્રણેય કલાકારોની એકમેકને અનુકૂળ તારીખો મળે તો જ આ ત્રણેયનું પુનઃમિલન શક્ય બનશે.
મૂળ ફિલ્મ ૨૦૧૧માં આવી હતી. ત્રણ મિત્રો વર્ષો પછી સાથે મળે છે અને રોડ ટ્રીપ પર નીકળે છે તેવી વાર્તા ત્યારે બહુ લોકપ્રિય બની હતી. તે પછી સમયાંતરે આ ફિલ્મની સીકવલની ડિમાન્ડ થતી રહી છે. ઝોયા હાલ એક ઓટીટી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે અને તે પછી તે આ ફિલ્મનાં કાસ્ટિંગ તથા શૂટિંગનું કામ આગળ વધારે તેવી સંભાવના છે. રસપ્રદ વાત એ છે કે ફરહાન અખ્તર ખુદ આ ફિલ્મ જેવી જ થીમ ધરાવતી ફિલ્મ ‘જી લે જરા’ આલિયા ભટ્ટ, કેટરિના કૈફ તથા પ્રિયંકા ચોપરા સાથે બનાવી રહ્યો છે. ફરહાને આ પ્રોજેક્ટ લાંબા સમય પહેલાં વિચાર્યો હતો પરંતુ ત્રણેય હિરોઈનોની તારીખોનો મેળ ન પડતાં તે તેને આગળ વધારી શક્યો ન હતો.

