સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરની આઈટીસી હોટલ મેમેન્ટોસ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં બંનેના આજે સૌ પ્રથમ તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થઈ ગયા છે અને હવે સાંજે 4 વાગ્યે રશ્મિકાના વતન કુર્ગની પરંપરા મુજબ ‘કોડવા’ રીત-રિવાજ મુજબ લગ્ન યોજાશે.

શું છે કોડવા વેડિંગ?
ભારતીય સંસ્કૃતિ તેના વૈવિધ્યસભર રીત-રિવાજો અને વિશિષ્ટ લગ્ન સંસ્કારોને કારણે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. આ પરંપરાઓનું એક ઉત્તમ ઉદાહરણ કર્ણાટકના કોડગુ (કૂર્ગ) વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં ‘કોડવા સમુદાય’ વસે છે. પોતાની ભવ્ય લોક સંસ્કૃતિ, સ્વાદિષ્ટ ભોજન અને સદીઓ જૂની પ્રથાઓ માટે જાણીતા આ સમુદાયની જીવનશૈલીની સાચી ઝલક તેમના લગ્ન પ્રસંગોમાં જોવા મળે છે.

કોડવા સમુદાયમાં લગ્નોત્સવની અનોખી ઓળખ
કોડવા સમુદાયમાં લગ્નનો ઉત્સવ ‘મંગલા’ તરીકે ઓળખાય છે, જે અત્યંત ઉલ્લાસ અને રંગબેરંગી વાતાવરણમાં ઉજવાય છે. આ લગ્ન માત્ર મનોરંજન કે જમણવાર પૂરતા સીમિત નથી, પરંતુ તે પરિવારજનો અને મિત્રો માટે પરસ્પર પ્રેમ અને ખુશીઓ વહેંચવાનું એક મહત્ત્વનું માધ્યમ છે.
પવિત્ર અગ્નિ વગર જ સંપન્ન થાય છે મંગલા વિધિ
આ લગ્ન વિધિની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમાં પ્રચલિત હિન્દુ લગ્નોની જેમ કોઈ પંડિત કે પૂજારીની હાજરી હોતી નથી. એટલું જ નહીં, અહીં પવિત્ર અગ્નિની આસપાસ ફેરા લેવાની પણ પ્રથા નથી. આ સમગ્ર મંગળ વિધિનું સંચાલન પરિવારના વડીલો દ્વારા જ કરવામાં આવે છે. વર-વધૂ અને બંને પક્ષના લોકો પોતાના પૂર્વજોનું સ્મરણ કરી ‘કાવેરી અમ્મા’ (દેવી કાવેરી)ના આશીર્વાદ મેળવે છે. એક પવિત્ર દીવાની સાક્ષીએ અત્યંત સાદગીપૂર્ણ રીતે લેવામાં આવતા આ આશીર્વાદ કોડવા લગ્નને સરળ છતાં આધ્યાત્મિક રીતે અત્યંત ગહન બનાવે છે.
સોશિયલ મીડિયા પર આ જોડીની AI તસવીરો વાઇરલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન પૂર્વેના ફંક્શનમાં રશ્મિકાએ પોતાની ફિલ્મ ‘પુષ્પા 2’ના ગીતો પર ડાન્સ કરીને મહેમાનોનું દિલ જીતી લીધું હતું. તેમજ સોશિયલ મીડિયા પર આ જોડીની ફેક AI તસવીરો વાઇરલ થઈ રહી છે, પરંતુ કપલે હજી સુધી લગ્નની ઓફિશિયલ તસવીરો શેર કરી નથી.

