બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાનને આજે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 90 વર્ષીય સલીમ ખાનને 17 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લગભગ એક મહિનાની સારવાર બાદ તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે અને ડોકટર્સે તેમને ઘરે લઈ જવા માટે મંજૂરી આપી દીધી છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે તેમની ડિસ્ચાર્જ પ્રોસીઝર પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તેઓ હજુ પણ હોસ્પિટલમાં જ છે.

એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા
સલીમ ખાન સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. જલીલ પારકરની દેખરેખ હેઠળ હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની વધતી ઉંમરના કારણે તેમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તપાસમાં નજીવું બ્રેઈન હેમરેજની વાત સામે આવી હતી, ત્યારબાદ ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગેએ તેમની એક નાની સર્જરી (DSA પ્રક્રિયા) કરી હતી. તેમની ઉંમરને કારણે રીકવરીમાં થોડો સમય લાગ્યો, પરંતુ હવે તેઓ સંપૂર્ણપણે સ્ટેબલ છે.
શરૂઆતી સારવારમાં વેન્ટિલેટર સપોર્ટ પર રહ્યા સલીમ ખાન
સારવારના શરૂઆતના તબક્કામાં સલીમ ખાનને થોડા સમય માટે વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા. ડૉ. જલીલ પારકરે જણાવ્યું હતું કે, હેમરેજ બાદ નાની પ્રોસીઝર જરૂરી હતી, જે સફળ રહી. તાજેતરમાં જ એક ઈફ્તાર પાર્ટી દરમિયાન અરબાઝ ખાને પાપારાઝી સાથે વાત કરતા કહ્યું હતું કે પિતાની તબિયત ઘણી સારી છે અને તેઓ રીકવર થઈ રહ્યા છે.
શાહરૂખ ખાન અને આમિર ખાન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા
સલીમ ખાનના હોસ્પિટલમાં રહ્યા તે દરમિયાન આખો ખાન પરિવાર તેમની પડખે ઉભો રહ્યો હતો. પુત્રો સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન સતત હોસ્પિટલની મુલાકાત લેતા રહ્યા હતા. શાહરૂખ ખાન અને આમિર ખાન પણ સલીમ ખાનની ખબર કાઢવા હોસ્પિટલ પહોંચ્યા હતા.આ ઉપરાંત સલીમ ખાનના જૂના સાથી અને દિગ્ગજ લેખક જાવેદ અખ્તરે પણ હોસ્પિટલ જઈને પોતાના મિત્રના સ્વાસ્થ્યની માહિતી લીધી હતી.
એક્ટિંગથી શરૂ થયુ હતું કરિયર
સલીમ ખાને 60ના દાયકામાં અભિનેતા તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે “તીસરી મંઝિલ” જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ બાદમાં તેમણે રાઈટિંગને પોતાની કારકિર્દી તરીકે અપનાવ્યું. 60ના દાયકાના અંતમાં તેમની મુલાકાત જાવેદ અખ્તર સાથે થઈ અને ‘સલીમ-જાવેદ’ની આઈકોનિક જોડી બની.

