ધુરંધર પછી હવે બોક્સ ઓફિસ પર બોલિવૂડ ફિલ્મ ‘બોર્ડર 2’ પણ છવાઈ અને એક બાદ એક કમાણીના રેકોર્ડ તોડી રહી છે. ‘બોર્ડર 2’એ માત્ર 3 જ દિવસમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી લીધી હતી. જ્યારે ચોથા દિવસે આ આંકડો 150 કરોડ રૂપિયાને પાર જતો રહ્યો છે. 26 જાન્યુઆરીએ ફિલ્મે છપ્પરફાડ કમાણી કરી છે.

બોર્ડર-2ને રજાઓનો લાભ મળ્યો, મોટી સંખ્યામાં લોકોએ ફિલ્મ નિહાળી
‘બોર્ડર 2’ ફિલ્મ 23 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તે પછી લાંબુ વીકેન્ડ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ફિલ્મની મજા માણી. આ જ કારણ છે કે ચાર જ દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આજે પ્રજાસત્તાક દિવસ હોવાથી સાંજે સુધીમાં જ 31.54 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે, જે રાત સુધી હજુ પણ વધશે. ‘બોર્ડર 2’ ફિલ્મનું કુલ કલેક્શન જ 152.54 કરોડ રૂપિયા પહોંચી ગયું છે.
કમાણીમાં ધુરંધરનો રેકોર્ડ તોડ્યો
કમાણી મામલે ‘બોર્ડર 2’એ ધુરંધરનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. જેથી ફિલ્મ માટેના ક્રેઝનો અંદાજો લગાવી શકાય છે. ધુરંધરે પહેલા દિવસે 28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બોર્ડર-2એ શરૂઆત જ 30 કરોડ રૂપિયાથી કરી. ધુરંધરે 3 દિવસમાં 103 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બોર્ડર-2એ 121 કરોડ રૂપિયા ભેગા કર્યા. બોર્ડર-2ની કમાણી ચાર જ દિવસમાં 150 કરોડ રૂપિયાને પાર જતી રહી. રવિવાર અને સોમવારે પણ રજા હોવાથી બંને દિવસ બોર્ડર 2ની કમાણીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
આ ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ, અહાન શેટ્ટી, મોના સિંહ, સોનમ બાજવા, આન્યા સિંહ અને મેધા રાણા મુખ્ય ભૂમિકામાં છે.

