મધ્ય પ્રદેશના અલીરાજપુરથી ઈકો કારમાં સ્પેરવ્હીલના ટાયર તેમજ સાઈડના પતરામાં વિદેશી દારૂની બાટલીનો જથ્થો સંતાડીને જામનગરમાં ઘુસાડવાનું ચબરાક બુટલેગરનું કારસ્તાન એલસીબીની ટીમે પકડી પાડ્યું છે. ઈકો કારમાં સંતાડેલી 54 વિદેશી દારૂની બોટલનો જથ્થો અને કાર સહિત 3 લાખ 20 હજાર રૂપિયાનો માલમતા કબજે કરીને બે પરપ્રાંતીય બુટલેગરની અયકાયત કરી છે. જ્યારે પૂછપરછમાં અન્ય બે શખસોના નામ ખુલ્યા છે.
જાણો શું છે મામલો
રાજ્ય બહારથી એક ઈકો કારમાં વિદેશી દારૂ જામનગર પંથકમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટિયા પાસે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન મધ્ય પ્રદેશના પાસિંગની ઈકો કાર પસાર થતાં તેને અટકાવી હતી અને કારની તપાસ કરી હતી. ઈકો કારના સ્પેરવ્હીલના ટાયરની અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ઈકો કારના પાછળના ભાગમાં વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસ દ્વારા કુલ 54 વિદેશી દારૂની બોટલ, બે મોબાઈલ ફોન, અને એક કાર સહિત 3 લાખ 20 હજાર રૂપિયાથી વધુનો માલમતા કબજે કર્યો હતો. જ્યારે કારમાં બેઠેલા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ રાજકોટ જિલ્લાના પડધરીમાં રહેતા લક્ષ્મણ રાવત અને રણજીત કલેશ નામના બે પરપ્રાંતીય શખસોની અટકાયત કરી હતી.પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત ઇંગ્લિશ દારૂનો જથ્થો અલીરાજપુર માં એક દારૂના ઠેકામાંથી દારૂ ભરવામાં આવ્યો હતો, અને મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અમરેલીમાં રહેતા બાદલભાઈ ભીલ ના કહેવાથી ઉપરોક્ત દારૂ નો જથ્થો આયાત કરવામાં આવ્યો હતો, અને જામનગર જિલ્લાના અલિયાબાડામાં એક શખ્સ ને સપ્લાય કરવાનો હતો, તેમ જણાવ્યું હતું તેથી પોલીસે તે બંનેને પણ ફરારી જાહેર કર્યા છે, અને બન્ને ની શોધખોળ હાથ ધરી છે.


