બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાણપુર મામલતદાર કે.બી.ગોહીલ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન રાણપુર-પાળીયાદ રોડ પરથી ગેરકાયદેસર સાદી રેતી ભરીને પસાર થતું એક ડમ્પર ઝડપી લેવામાં આવ્યું છે.

આ મામલે મામલતદાર કે.બી. ગોહિલ દ્વારા વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદારની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે રાણપુર-પાળીયાદ હાઈવે રોડ પર ડમ્પર નંબર GJ-13-AW-9745ને શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યું હતું. ડમ્પરના ડ્રાઈવરની પૂછપરછ કરતા અને રોયલ્ટી પાસ કે પરમિટની માંગણી કરતા તે રજૂ કરી શક્યો નહોતો.ડ્રાઈવરે પોતાના નિવેદનમાં કબૂલાત કરી હતી કે તે આ સાદી રેતી કેરિયાળા ખાતેથી ભરીને લાવ્યો હતો અને ખાણ માલિકે તેને કોઈ પણ જાતની રોયલ્ટી પાસ કે પરમિટ આપી નહોતી. તંત્ર દ્વારા કડક કાર્યવાહી ગુજરાત મીનરલ રૂલ્સ-2017 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે 25 લાખની કિંમતનો મુદ્દામાલ ખનીજ અને વાહન સાથે જપ્ત કરીને રાણપુર પોલીસ સ્ટેશનના હવાલે કરી અટકાયતમાં રાખવા હુકમ કરવામાં આવ્યો છે.રાણપુર મામલતદાર કે.બી. ગોહિલે દ્વારા આ અંગેનો વિગતવાર અહેવાલ અને ‘ફોર્મ-જે’ બોટાદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીને આગળની દંડનીય કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ અંગે રાણપુર મામલતદાર કે.બી.ગોહીલ એ જણાવ્યુ છે કે આગામી દિવસમાં પણ ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનીજ વહન ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે.

