અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર બાબતોના સલાહકાર પીટર નવારોએ ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું અને જાતિવાદ ભડકાવવા પ્રયાસ કર્યો હતો. પીટરે દાવો કર્યો હતો કે રશિયા પાસેથી ઓઇલની ખરીદીમાં સૌથી વધુ નફો ભારતના બ્રાહ્મણો લઇ રહ્યા છે.
ટ્રમ્પ દ્વારા ભારતની વસ્તુઓ પર ૫૦ ટકા ટેરિફ નાખવામાં આવ્યો છે. ટ્રમ્પના આ નિર્ણયનો બચાવ કરતા તેમના વેપાર બાબતોના સલાહકાર પીટરે કહ્યું હતું કે રશિયન પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ જિનપિંગ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા વૈશ્વિક ઉથલ પાથલ લાવશે. ભારત ટેરિફનો મહારાજા છે, સમગ્ર વિશ્વમાં તેમણે સૌથી ઉંચો ટેરિફ નાખ્યો છે, અમેરિકામાં અનેક વસ્તુઓની નિકાસ કરે છે. જેનું સૌથી વધુ નુકસાન અમેરિકાના કરદાતાઓ, મજૂરોને થાય છે. પીટરે વધુમાં દાવો કર્યો હતો કે હું ભારતના નાગરિકોને બહુ જ સરળ ભાષામાં કહેવા માગુ છું કે હાલ જે કઇ થઇ રહ્યું છે તેને સમજો, ભારતના અન્ય નાગરિકોના ભોગે બ્રાહ્મણોને ફાયદો પહોંચાડાઇ રહ્યો છે જેને અમેરિકા અટકાવવા માગે છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી લોકશાહી છે અને તેણે એ પ્રકારનું વર્તન કરવું જોઇએ, ચીન અને રશિયાની સાથે હાથ ન મિલાવવા જોઇએ. ભારત, ચીન અને રશિયા ત્રણેય દેશોના વડાઓએ હાથ મિલાવતા ભડકેલા અમેરિકાના વેપાર બાબતોના સલાહકાર પીટરે વધુમાં કહ્યું હતું કે યુક્રેન સાથે મોદીનું યુદ્ધ છે, રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી યુદ્ધ ભડકાવી રહી છે.


