અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડોદરાના પાદરામાં મહીસાગર નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જવાની ઘટના સામે આવી છે. હોડીમાં સવાર 8થી વધુ લોકો નદીના પાણીમાં ડૂબ્યા હતા, પરંતુ સમયસૂચકતા અને લોકોની મદદથી તમામનો સુરક્ષિત બચાવ થયો છે. ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકો જીવના જોખમે હોડીમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે,

કેવી રીતે સર્જાઈ ઘટના?
મળતી માહિતી મુજબ, પાદરા તરફથી મુસાફરો હોડીમાં સવાર થઈને નદી માર્ગે ગંભીરા તરફ જઈ રહ્યા હતા. નદીના વહેણ અથવા સંતુલન બગડવાને કારણે હોડી અચાનક પાણીમાં પલટી ગઈ હતી. હોડી પલટતા જ તેમાં સવાર 8થી વધુ લોકો પાણીમાં ખાબક્યા હતા અને બચાવો-બચાવોની બૂમો પાડી હતી. નજીકમાં હાજર અન્ય નાવિકો અને સ્થાનિક તરવૈયાઓએ તુરંત મદદ કરીને તમામ લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
ગંભીરા બ્રિજ બંધ હોવાથી જોખમ વધ્યું
ઉલ્લેખનીય છે કે, પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ બંધ હોવાથી રોડ માર્ગે લાંબો ફેરો કરવો પડે છે, જેનાથી બચવા સ્થાનિક શ્રમિકો અને મુસાફરો હોડીનો સહારો લઈ રહ્યા છે.

