અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આજે શુક્રવારે (17મી ઓક્ટોબર) વહેલી સવારે ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. એક દુકાનમાં લાગેલી આગ ઝડપથી આસપાસની 14 જેટલી દુકાનોમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કપડાં અને અન્ય ચીજવસ્તુઓના વેપારીઓને દિવાળીના તહેવારના સમયે જ મોટું નુકસાન થયું છે.

ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી
મળતી માહિતી અનુસાર,આજે વહેલી સવારે 5 વાગ્યે ફાયર વિભાગના કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે બાપુનગર ચાર રસ્તા તરફ ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનોમાં આગ લાગી છે. મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં 5થી 7 દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી. મોટાભાગની દુકાનો કપડાં, ચપ્પલ અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓની હોવાના કારણે આગ ઝડપથી એક બાદ એક દુકાનોમાં પ્રસરી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

મોટું નુકસાન, જાનહાનિ ટળી
પ્રાથમિક માહિતી અનુસાર, આગના કારણે કુલ 12 જેટલી દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે અન્ય બે દુકાનોને આંશિક નુકસાન થયું છે. રાહતની વાત એ છે કે વહેલી સવારે આગ લાગવાના કારણે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો આ ઘટના સાંજના સમયે બની હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. દિવાળીના તહેવારને અનુલક્ષીને વેપારીઓએ દુકાનોમાં મોટો માલસામાન ભર્યો હોવાથી આ આગથી તેમને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું છે.
આગનું પ્રાથમિક કારણ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણ અને નુકસાનના આંકલન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

