અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમરેલી જિલ્લામાં બગસરા નજીક આવેલા હડાળા ગામ પાસે આજે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કાર પલટી મારીને રસ્તાની બાજુના ખેતરમાં ઘૂસી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, કારમાં કુલ ચાર લોકો સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ભંગારમાં ફસાયેલા ચાર લોકોમાંથી ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ભયાનક દ્રશ્યો અને મૃત્યુઆંક
અકસ્માત બાદ કારમાં સવાર લોકો ફસાઈ ગયા હોવાથી સ્થાનિકો દ્વારા તુરંત ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ કારના પતરાં કાપીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બગસરા પોલીસે આ અંગે ગુનો નોંધીને અકસ્માત કેવી રીતે થયો, તેના કારણો અને મૃતકોની ઓળખ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

