અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) યુરોપીય દેશ ડેનમાર્ક સ્કૂલ અને યુનિવર્સિટીમાં બુરખો અને નકાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. જેને લઇને એક ખાસ બિલ તૈયાર કરાયુ છે. જેને ફેબ્રુઆરી 2026માં સંસદમાં રજૂ કરવામાં આવશે.જો સંસદમાં બિલ પાસ થઈ જાય, તો ડેનમાર્કની શૈક્ષણિક સંસ્થાઓમાં બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ લાગુ થઈ જશે. નોંધનીય છે કે ડેનમાર્કમાં જાહેર સ્થળોએ હિજાબ પહેરવા અથવા ચહેરો ઢાંકવા પર પહેલેથી જ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ ઓગસ્ટ 2018માં લાગુ કરવામાં આવ્યો હતો અને તેનો ભંગ કરનારાઓ માટે દંડની જોગવાઈ પણ છે.

ઓસ્ટ્રિયાની જેમ જ બનાવવામાં આવ્યુ બિલ
ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસને બિલ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા અથવા હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે આ પ્રતિબંધના દાયરામાં શાળા અને યુનિવર્સિટીઓને લાવવાની યોજના છે. ઓસ્ટ્રિયાની સરકારે ગઇ 11 ડિસેમ્બરે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવીને અમલમાં મૂક્યો છે. એ જ રીતે હવે ડેનમાર્કે આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
માનવાધિકાર કાર્યકર્તાઓ કરી રહ્યા છે વિરોધ
શાળા અને યુનિવર્સિટીમાં બુરખા-નકાબ પર પ્રતિબંધ મૂકવાના ડેનમાર્ક સરકારના પ્રસ્તાવનો માનવાધિકાર અને ઇસ્લામિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માનવાધિકાર સંગઠનો આ પ્રસ્તાવને ભેદભાવપૂર્ણ ગણાવી રહ્યા છે અને કહે છે કે આ મહિલાઓની સ્વતંત્રતા તેમજ તેમની પસંદ-નાપસંદગીને આઝાદીનુ ઉલ્લંઘન ગણવી રહ્યા છે. ઇસ્લામિક સંગઠનોએ તેને ઇસ્લામ ધર્મની આસ્થા અને નિયમોના વિરોધમાં હોવાનું જણાવ્યું છે. ઇસ્લામિક જૂથોનું કહેવું છે કે ડેનમાર્ક સરકારનો આ નવો નિર્ણય તેમને કોઈ રીતે સ્વીકાર્ય નથી.

