અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા યહૂદીઓના તહેવાર દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર ઉજવણી કરી રહેલા 2 હુમલાખોરોએ ધડાધડ ફાયરિંગ કર્યુ જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે.

સિડનીના બોન્ડી બીચ પર ફાયરિંગની ઘટના
ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર યહૂદીઓના તહેવારની ઉજવણી દરમિયાન બે અજ્ઞાત હુમલાખોરોએ તાબડતોબ ફાયરિંગ કર્યુ હતુ. જેમાં 10 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય અન્ય લોકો પણ ઘાયલ થયા છે. મહત્વની માહિતી સામે આવી રહી છે કે ફાયરિંગ કરનાર બંને વ્યક્તિને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
લોકોને સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરાઇ
અધિકારીઓએ લોકોને આ વિસ્તારમાંથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળે આશરો લેવા અપીલ કરી છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે પોલીસ તપાસ ચાલુ છે અને અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ વિસ્તારમાંથી દૂર રહે. પોલીસકર્મીઓને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે અને વધુ માહિતી મળતાં આગળ અપડેટ આપવામાં આવશે. સિડની મોર્નિંગ હેરાલ્ડ મુજબ, પ્રખ્યાત બોન્ડી બીચ પર અનેક રાઉન્ડ ગોળીબાર થયાના અહેવાલ છે.
ફાયરિંગ થતા લોકો આમ તેમ દોડવા લાગ્યા
બોન્ડી બીચ પર લોકો દોડતા જોવા મળે છે અને પાછળ ગોળીઓના અવાજ તથા પોલીસ સાયરન સાંભળવા મળે છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે ટ્વીટર પર તાજેતરની પોસ્ટમાં જણાવ્યું કે બોન્ડી બીચ પર બે લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. જોકે, પોલીસ અભિયાન હજી પણ ચાલુ છે અને લોકોને સતત આ વિસ્તારમાંથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને તમામ સૂચનોનું પાલન કરવા કહ્યું છે અને ચેતવણી આપી છે કે કોઈ પણ વ્યક્તિ પોલીસ દ્વારા બનાવવામાં આવેલી ઘેરાબંધી પાર ન કરે. પોલીસે એ પણ જણાવ્યું કે ડોવર હાઇટ્સમાં કોઈ પણ પ્રકારની ઘટનાની કોઈ માહિતી નથી. પોલીસે લોકોને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે. આ મામલે આગળની માહિતી અહીં જ શેર કરવામાં આવશે.

