BREAKING NEWS : કલોલમાં બિઝનેસમેને બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, રબારી સમાજમાં શોકનો માહોલ

0
68
meetarticle

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક બિઝનેસમેને પોતાની બે માસૂમ દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં કૂદકો લગાવી સામૂહિક આપઘાત કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ દુઃખદ ઘટનામાં બંને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પિતાની શોધખોળ હજુ ચાલુ છે. આ ઘટનાને પગલે સમગ્ર રબારી સમાજ અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો અનુસાર કલોલના બોરીસણ ગામમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક ધીરજભાઇ ભલાભાઇ રબારી શુક્રવારે સવારે ઘરેથી આધાર કાર્ડ કઢાવવા જવાનું બહાનું કાઢીને પોતાની બે દીકરીઓ સાથે નીકળ્યા હતા. જોકે ધીરજભાઇ મોડી સાંજ સુધી દીકરીઓ સાથે ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવારે તાત્કાલિક સાંતેજ પોલીસ મથકે સંપર્ક સાધી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદના આધારે સાંતેજ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલ પંપ માલિક અને તેમની બે દીકરીઓની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજે શનિવારે સવારે કલોલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બંને માસૂમ બાળકીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે તાત્કાલિક બંને બાળકીઓના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધીરજભાઇ રબારીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, અને તેમની શોધખોળ માટે કેનાલમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here