અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના તળાવોને દબાણમુક્ત કરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ચંડોળા અને ઈસનપુર બાદ આજે (20મી જાન્યુઆરી) વહેલી સવારથી વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તળાવની અંદર અને તેની આસપાસ ખડકાયેલા 400 જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી છે. ઝોન-6 પોલીસ સ્ટેશનના આશરે 500 જેટલા પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે અને AMCના 300થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર રહી મોનિટરિંગ કરી રહ્યા છે. આ દબાણો દૂર કરવા માટે 10 હિટાચી મશીન, 5 જેસીબી અને મોટી સંખ્યામાં મજૂરોની ટીમ કામે લગાડવામાં આવી છે.આ મેગા ઓપરેશન માટે AMC દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં એસ્ટેટ વિભાગની કુલ 10 ટીમો કાર્યરત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ અગાઉ કોર્પોરેશન દ્વારા તમામ દબાણકર્તાઓને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા માટે કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં, કેટલાક રહીશો દ્વારા બાંધકામ દૂર ન કરાતા આખરે તંત્રએ જેસીબી અને બુલડોઝરની મદદથી તોડી પાડવાની ફરજ પડી હતી.

