અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા આઈઈડી (IED) વિસ્ફોટમાં 11 જવાન ઘાયલ થયા હતા. આ જવાનોને હેલિકોપ્ટર મારફતે તાત્કાલિક રાયપુર લઈ જવાયા હતા.

100થી વધુ નક્સલ છુપાયાની માહિતી મળી હતી
આ ઘટના છત્તીસગઢ-તેલંગાણા સરહદ નજીક આવેલા કરેગુટ્ટા પહાડી વિસ્તારમાં બની હતી. સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) ની સશસ્ત્ર પાંખ, પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) ની બટાલિયન નંબર 1 આ પહાડોમાં છુપાયેલી છે. આ વિસ્તારમાં 100 થી વધુ સશસ્ત્ર નક્સલવાદીઓની હાજરી હોવાની શક્યતાને પગલે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) તેમજ CRPFના ભદ્ર કોબ્રા (CoBRA) યુનિટ દ્વારા શનિવારે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આમ, પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ સુરક્ષા દળોએ નક્સલ વિરોધી ઓપરેશન હાથ ધરાયું હતું.
આ હુમલામાં ઘાયલ 11માંથી 10 જવાન DRG
E હુમલામાં ઘાયલ 11 જવાનોમાં 10 DRG છે, જ્યારે એક જવાન કોબ્રા બટાલિયનના સબ-ઇન્સ્પેક્ટર છે. આ પૈકી ત્રણ જવાનોને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે અન્ય ત્રણ જવાનોની આંખોમાં વિસ્ફોટના સ્પ્લિન્ટર્સ (કાટમાળના ટુકડા) વાગ્યા છે. આ વિસ્તાર પહાડોથી ઘેરાયેલો અને અત્યંત દુર્ગમ હોવા છતાં તમામ ઘાયલ જવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી રાયપુર લઈ જવાયા હતા. હાલ તમામ જવાનોની સ્થિતિ સ્થિર અને જોખમ બહાર હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.નોંધનીય છે કે, વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધી 20 નક્સલ માર્યા ગયા છે. જો કે, વર્ષ 2024 અને 2025માં કુલ 500થી વધુ નક્સલ ઠાર મારાય છે, જેમાં સૌથી વધુ ઓપરેશન છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં કરાયા છે.

