BREAKING NEWS : ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત

0
55
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પર અચાનક આવેલા બમ્પથી બચવા એક પેસેન્જર બસના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં પાછળથી પૂરઝડપે આવી રહેલું ટ્રેલર બસ સાથે ધડાકાભેર અથડાયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બસ ડ્રાઇવર કથિત રીતે હાઇ સ્પીડમાં હતો અને અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે અચાનક રોડ પર બમ્પ દેખાતા તેણે વાહન પર કાબૂ મેળવવા માટે અચાનક બ્રેક મારી દીધી હતી.

આ દરમિયાન બસની બિલકુલ પાછળ આવી રહેલું ટ્રેલર સમયસર રોકાઈ શક્યું ન હતું અને ધડાકાભેર બસના પાછળના ભાગે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસ ફંગોળાઈને રોડની બાજુમાં ખાડામાં ઉતરી ગઇ હતી અને એક હોર્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત 2 - image

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરાવ્યો હતો. બાદમાં બંને વાહનોને ટો કરીને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત વધુ પડતી ઝડપ કે બેદરકારીને કારણે થયો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સતત અકસ્માતોનો ભય: જીવલેણ ખાડાઓથી મુશ્કેલી

ઝુંડાલથી વૈષ્ણદેવી તરફ જતાં સીબીડી મોલથી લઈને ડાઉનટાઉન ફૂડ કોર્ટ સુધીના રોડ પર વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. રોડની બાજુમાં લાંબા સમયથી ખોદેલા ખાડાઓને કારણે આ વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો છે. જ્યારે પણ અહીં અકસ્માત સર્જાય છે, ત્યારે વાહનો સીધા આ ખાડાઓમાં ખાબકે છે, જેના પરિણામે મોટી ઇજાઓ થવાની અને જીવ ગુમાવવાની સંભાવના અનેકગણી વધી જાય છે. રાત્રિના સમયે દ્રશ્યતા ઓછી હોવાથી આ જોખમ વધુ ભયાવહ બની જાય છે, અને અનેક વખત મોટા વાહનો પણ પલટી જવાની ઘટનાઓ બને છે.
ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત 3 - image

ખાડા ખોદવા પાછળ વિવાદાસ્પદ હેતુ?

સ્થાનિકોમાં ચર્ચા છે કે સીબીડી મોલથી લઇને ડાઉનટાઉન ફૂડ કોર્ટ સુધી જ આ ખાડો ખોદવા પાછળનો હેતુ શંકાસ્પદ છે. કેટલાક લોકોનું માનવું છે કે આ કૃત્ય ઈરાદાપૂર્વક અન્ય ફૂડ કોર્ટ તરફ જતો રસ્તો અવરોધવા માટે કરવામાં આવ્યું છે, જેથી ગ્રાહકોનો ધસારો માત્ર ડાઉનટાઉન ફૂડ કોર્ટ તરફ રહે.

તંત્રની વિચિત્ર કાર્યવાહી: ખાડો પૂરાય તો ફરી ખોદાય!

સ્થાનિકો અને લારીવાળાઓ જ્યારે રાત્રે અકસ્માત ટાળવા માટે માનવતાના ધોરણે આ ખાડાઓ પૂરી દે છે, ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ બીજા જ દિવસે JCB વડે ફરીથી ખાડાઓ ખોદી નાખે છે. તંત્રની આ અસામાન્ય કાર્યવાહીને કારણે લોકોમાં આશ્ચર્ય અને રોષની લાગણી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here