અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) તેલંગણાનાં રંગારેડ્ડી જિલ્લામાં સોમવાર સવારે એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો. એક બસ ડમ્પર સાથે અથડાતાં ૨૪ લોકોનાં મોત થયા છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર કપચી લઇને જતાં એક ડમ્પર અને રાજ્ય સરકારની બસ સામસામે અથડાયા હતાં. સૂત્રોનાં જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. બસમાં મોટાભાગે બાળકો અને ઓફિસ જઇ રહેલા લોકો સવાર હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ડમ્પરની ટક્કર ચેવેલ્લાની પાસે તેલંગણા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ટીઆરટીસી)ની બસ થાથે થઇ હતી. જેના કારણે કપચી બસ પર પડી હતી.
પ્રાથમિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીઆરટીસીની બસ તંદૂરથી હૈદરાબાદ જઇ રહી હતી. જેમાં લગભગ ૭૦ યાત્રીઓ સવાર હતાં. સૂત્રોનાં જણાવ્યા અનુસાર બસમાં અનેક વિદ્યાર્થીઓ પણ હતાં જે હૈદરાબાદની અલગ અલગ કોલેજોમાં ભણતા હતાં.
આ વિદ્યાર્થીઓ રવિવારની રજાને પગલે પોતાના ઘરે ગયા હતાં અને ત્યાંથી પરત આવી રહ્યાં હતાં. આ અકસ્માત પછી હૈદરાબાદ-બીજાપુર હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
આ અકસ્માત અંગે વડાપ્રધાન મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે મૃતકોનાં પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

