અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) પંજાબથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક શનિવારે સવારે એક ફોર્ચ્યુનર કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર સીધી ડિવાઈડર સાથે ભટકાતાં ઉલડી ગઇ અને કારનું પડીકું વળી ગયું હતું. આ દુઃખદ ઘટનામાં ગુજરાતના બનાસકાંઠાના પાંચ મિત્રોએ જીવ ગુમાવતા માહોલ ગમગીન બની ગયો હતો.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના
માહિતી અનુસાર આ કાર બઠિંડાથી ડબવાલી તરફ જઇ રહી હતી. તેમાં ગુજરાત પોલીસની મહિલા કર્મચારી અમિતા તેના ચાર મિત્રો અંકુશ, ભરત, ચેતન અને સતીશની સાથે ગુજરાત આવી રહી હતી. આ લોકો શિમલાથી ફરીને પાછા આવતા હોવાની જાણકારી મળી રહી છે. જોકે કાતિલ ઠંડીના દોર વચ્ચે ભારે ધુમ્મસ વચ્ચે વહેલી સવારે તેમની કાર ડિવાઈડર સાથે ભટકાઈ જતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં તમામ પાંચ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા.
પોલીસ અધિકારીએ આપી માહિતી
આ મામલે જાણકારી આપતા એસપી સિટી નરિંદર સિંહે જણાવ્યું કે પાંચેય મિત્રોના શબને કબજે લઈ સિવિલ હોસ્પિટલ રવાના કરાયા હતા અને મૃતકોના પરિજનોને જાણકારી આપી દેવામાં આવી હતી.

