અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદની શાળાઓમાં આજે ઈ-મેઈલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ છે. અમદાવાદમાં આ આંકડો સતત વધીને હવે 12 શાળાઓ સુધી પહોંચી ગયો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકીભર્યો મેઈલ મળ્યો છે. બીજી તરફ, ગાંધીનગરના અડાલજ ખાતે આવેલી ડિવાઇન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.

તાત્કાલિક પગલાં અને સુરક્ષા
ડિવાઇન સ્કૂલને સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી હતી. ગાંધીનગર પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર કેમ્પસની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ચાંદખેડાની ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલમાં પણ પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જે પ્રકારે એક પછી એક કુલ 12 શાળાઓને નિશાન બનાવવામાં આવી છે, તેનાથી પોલીસ તંત્ર અત્યંત ગંભીર બન્યું છે. પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સાયબર ક્રાઈમની ટીમો સતત એ તપાસી રહી છે કે આ ધમકીભર્યા મેઈલ્સ પાછળ કોનું મગજ કામ કરી રહ્યું છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને વાલીઓને ગભરાવાને બદલે શાંતિ જાળવવા તેમજ કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

