અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સાયલા-ચોટીલા હાઈવે પર આજે (26મી જાન્યુઆરી) સવારે અકસ્માત સર્જાયો હતો. સુરતથી જામકંડોરણા જઈ રહેલા જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસ સાયલાના ગોસળ બોર્ડ નજીક ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા 24 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. લગ્ન પ્રસંગના હરખ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી.

પાંચ જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી
મળતી માહિતી અનુસાર, સુરતથી જાનૈયાઓને લઈને એક લક્ઝરી બસ જામકંડોરણાના વિમલનગર ખાતે જઈ રહી હતી. બસ જ્યારે સાયલાના ગોસળ બોર્ડ નજીક પહોંચી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ આગળ જઈ રહેલી અથવા ઉભેલી ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતા જ આસપાસના વિસ્તારમાંથી પાંચ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદરૂપ બન્યા હતા. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

