અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા સૂચિત સુધારા પછી રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ કડક અને પારદર્શક બનવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્ય સરકારનો મત છે કે, પ્રેમ લગ્ન સામે કોઈ વાંધો નથી, પરંતુ ખોટી ઓળખ આપી યુવતીઓને ફસાવવાના બનાવો અટકાવવા માટે વ્યવસ્થામાં સુધારા જરૂરી છે.
અત્યાર સુધીની પ્રક્રિયામાં શું ખામી હતી?
હાલ અમલમાં રહેલા નિયમો અનુસાર, લગ્ન નોંધણી વખતે વર-વધૂના દસ્તાવેજો લેવામાં આવતા હતા, પરંતુ ચકાસણી મર્યાદિત હતી. કેટલાક કિસ્સામાં બંને પક્ષની હાજરી વગર પણ નોંધણી થઈ જતી હતી. તલાટી સ્તરે જ મંજૂરી મળતી હોવાથી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થતા હતા.

સૂચિત નવા નિયમો મુજબ
અરજી બાદ લગભગ 40 દિવસ પછી લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવશે.
વર-વધૂની હાજરી અનિવાર્ય રહેશે.
દસ્તાવેજોની વધુ કડક ચકાસણી કરવામાં આવશે.
તલાટી અરજી સ્વીકારશે, પરંતુ અંતિમ મંજૂરી તાલુકા કક્ષાના ઉપરી અધિકારી આપશે.
નોટરી પ્રક્રિયા દરમિયાન તમામ સંબંધિત વ્યક્તિઓની હાજરી ફરજિયાત રહેશે.
પ્રેમ લગ્ન માટે અરજી કરવામાં આવશે ત્યારે માતા-પિતાને વોટ્સએપ દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવશે.
માતા-પિતાની માહિતી કેમ જરૂરી?
નવા નિયમો અનુસાર, લગ્ન નોંધણી વખતે છોકરીના માતા-પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઇલ નંબર લેવામાં આવશે. અરજી થતા જ તેમને સંપૂર્ણ વિગતો મોકલવામાં આવશે. 10 દિવસની અંદર માતા-પિતાને સત્તાવાર જાણ કરવી ફરજિયાત રહેશે. સરકારનું કહેવું છે કે આ વ્યવસ્થા યુવતીઓની સુરક્ષા, પારદર્શિતા અને કાનૂની સુરક્ષા માટે બનાવવામાં આવી છે-કોઈને અનાવશ્યક રીતે પરેશાન કરવા માટે નહીં.
સાક્ષીઓ અને કોર્ટ નોંધણી અંગે નવી જોગવાઈવર-વધૂ સાથે રહેલા સાક્ષીઓની સંપૂર્ણ માહિતી અને ફોટોગ્રાફ આપવાના રહેશે.
સાક્ષીઓના આધાર કાર્ડની નકલ ફરજિયાત રહેશે.
સરકાર આધારિત કોર્ટ નોંધણી પ્રક્રિયા અનિવાર્ય બનાવાશે.
દહેજ અને હેરાનગતિ સામે કડક વલણ
લગ્ન પછી દહેજ કે મિલકતના મુદ્દે યુવતીને હેરાન કરવામાં આવશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. સરકારનો ઉદ્દેશ માત્ર લગ્ન નોંધણીને નિયમિત કરવાનો જ નહીં, પરંતુ લગ્ન બાદ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ છે.
ઓનલાઈન પોર્ટલની તૈયારી
રાજ્ય સરકાર પ્રેમ લગ્ન નોંધણી માટે અલગ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવાની તૈયારીમાં છે. આથી આખી પ્રક્રિયા ટ્રેક કરી શકાય તેવી અને વધુ પારદર્શક બનશે. સૂચિત સુધારાઓ પર અંતિમ નિર્ણય લેતા પહેલા સરકાર જાહેરમાંથી વાંધા અને સૂચનો માંગશે. મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
સૂચિત નવી લગ્ન નોંધણી પધ્ધતિ
સ્ટેપ-1 : લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ લાઇસંસ, પાસપોર્ટ, ફોટો ઓળખ પત્ર આપવાના રહેશે.
સ્ટેપ-2 [A]: સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકુમત ધરાવતા આસિસ્ટંટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-। (આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.
- વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ
- વર-વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર. લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા.
- વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો.
- વર-વધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ.
- સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા.
- અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.
સ્ટેપ-2 [B]: વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- માતા/પિતાનું આધાર કાર્ડ
- પિતાનું પૂરું નામ.
- પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
- પિતાનો મોબાઈલ નંબર.
- માતાનું પૂરું નામ.
- માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
- માતાના મોબાઇલ નંબર.

