જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ આજે (2 નવેમ્બર) વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થતાં ખળભળાટ મચી ગયો છે. તેમના નિવાસસ્થાનમાંથી ત્રણથી વધુ પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે, જેના પગલે આશ્રમ સંચાલકોએ તાત્કાલિક ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ ભારતી બાપુ વહેલી સવારે આશ્રમમાંથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. સંચાલકોને શંકા જતાં તેમણે તપાસ કરી હતી, જ્યાંથી આ સુસાઇડ નોટ મળી આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ આશ્રમના સંચાલકો અને નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે.પ્રાથમિક માહિતી અનુસાર નિવાસ્થાનેથી મળી આવેલી સુસાઇડ નોટમાં મહાદેવ ભારતી બાપુએ કોઈ અંગત મનદુઃખ હોવાનું કારણ જણાવ્યું છે. જોકે, આ સુસાઇડ નોટમાં કોના નામનો ઉલ્લેખ છે અથવા ચોક્કસ કારણ શું છે, તે અંગે પોલીસે મૌન સેવ્યું છે.
ભવનાથ પોલીસને આ અંગે પૂછવામાં આવતા, તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબત હાલ તપાસનો વિષય છે. સુસાઇડ નોટ અમારા કબ્જામાં છે અને અમે તેની ચકાસણી કરી રહ્યા છીએ. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મહાદેવ ભારતી બાપુને વહેલી તકે શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
