અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ) ડાંગ જિલ્લાના સાપુતારાના ડુંગરાળ માર્ગો પર બુધવારે (28મી જાન્યુઆરી) દુર્ઘટના સર્જાઈ હતી. નાશિકથી જોધપુર તરફ જઈ રહેલો ભારતીય સેનાના કાફલાને અકસ્માત નડ્યો હતો. સાપુતારા-શામગહાન ઘાટના કપરા વળાંક પર સેનાની ટ્રક પલટી મારી જતાં તેમાં સવાર 13 જવાનો પૈકી 9 જવાનોને ઈજાઓ પહોંચી છે.

વળાંક પર ચાલકે કાબૂ ગુમાવ્યો
માહિતી મુજબ, ભારતીય સેનાનો કાફલો ટ્રક લઈને મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહ્યો હતો. ટ્રકમાં સેનાની તોપ લાદેલી હતી. સાપુતારા-શામગહાન ઘાટના કપરા વળાંક ઉતરતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતની જાણ થતા જ ડાંગ જિલ્લા પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટ્રકમાં સવાર તમામ 13 જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા.જેમાં નવ જવાનોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અકસ્માતગ્રસ્ત વાહનમાં સેનાની તોપ અને અન્ય સંરક્ષણ સાધનો હોવાથી વહીવટી તંત્ર અને સેના દ્વારા સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે અન્ય જવાનો અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી સંરક્ષણ સામગ્રીની સુરક્ષા જળવાઈ રહે.

