BREAKING NEWS : બિહારના નાલંદામાં શીતળા માતાના મંદિરમાં ભયાનક ભાગદોડ, 8 શ્રદ્ધાળુઓના કરૂણ મોત,અનેક ઈજાગ્રસ્ત

0
18
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) બિહારના નાલંદા જિલ્લામાંથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે શીતલા માતાના મંદિરે દર્શન કરવા ઉમટેલી ભારે ભીડમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

કેવી રીતે સર્જાઈ આ ગંભીર દુર્ઘટના?

મળતી માહિતી મુજબ, ચૈત્ર માસનો છેલ્લો મંગળવાર હોવાથી શીતલા માતાના મંદિરે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં પોલીસ અને વહીવટીતંત્રનો બંદોબસ્ત નહિવત હોવાનું જાણવા મળ્યું છે. દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક શ્રદ્ધાળુઓએ કતાર તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક ભીડ બેકાબૂ બનતા લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા, જેના પરિણામે આ ભયાનક નાસભાગ સર્જાઈ હતી.

વહીવટીતંત્રની બેદરકારી પર ઉઠ્યા સવાલો

સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ હોનારત પાછળ પોલીસ-પ્રશાસનની ઘોર બેદરકારી જવાબદાર છે. મહત્વની વાત એ છે કે, આ સમયે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ નાલંદાની મુલાકાતે છે. તેઓ નાલંદા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે. જેથી સમગ્ર વહીવટીતંત્રનું ધ્યાન રાષ્ટ્રપતિના કાર્યક્રમ અને સુરક્ષા વ્યવસ્થામાં હોવાને કારણે શીતલા મંદિરે પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો નહોતો, જે અંતે ઘાતક સાબિત થયો.

હોસ્પિટલમાં ઘાયલોની સારવાર

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તબીબોએ 8 લોકોને મૃત જાહેર કર્યા છે, જ્યારે અડધો ડઝનથી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here