અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશની કેટલીક મેડિકલ કોલેજોને સંચાલિત કરતા રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં લાંચ અને હેરાફેરી સાથે જોડાયેલ મની લોન્ડરિંગ તપાસનાં ભાગરૂપે ગુજરાત સહિત દસ રાજ્યોમાં દરોડા પાડયા હતાં.

આંધ્ર પ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તર અને દિલ્હીમાં ૧૫ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.
જેમાં મેડિકલ કોલેજોના સાત પરિસરો અને કેટલીક ખાનગી વ્યકિતઓનો સમાવેશ થાય છે. ઇડીએ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કરી હતી.
મની લોન્ડરિંગનો આ કેસ સીબીઆઇ દ્વારા ૩૦ જૂનનાં રોજ નોંધાયેલી એફઆઇઆરને આધારે દાખલ કરવામાં આવ્યો છે. એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે મેડિકલ કોલેજોના ઇન્સ્પેકશનથી જોડાયેલ ગુપ્ત માહિતી મેડિકલ કોલેજના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો અને વચેટિયાઓને આપવાનાં બદલામાં નેશનલ મેડિકલ કમિશન સહિતનાં સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી.
ઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી મળી જવાને કારણે તેમને પેરામિટરમાં ફેરફાર અને મેડિકલ કોલેજોમાં એકેડેંમિક કોર્સ ચલાવવાની મંજૂરી લેવામાં મદદ મળી હતી.
સીબીઆઇએ દાવો કર્યો છે કે તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને એનએમસીનાં અધિકારીઓ, વચેટિયાઓ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજનાં પ્રતિનિધિઓનાં એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જે ભ્રષ્ટાચાર અને પ્રક્રિયાઓમાં હેરફેર જેવા ગંભીર અપરાધોમાં સંડોવાયેલું હતું.

