અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજસ્થાનના જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર રવિવારે વહેલી સવારે એક અત્યંત ભીષણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો અનાજ ભરેલા ટ્રેલર સાથે અથડાતા 6 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
બાલેસર પોલીસ સ્ટેશનના અધિકારી મૂળસિંહ ભાટીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના રવિવારે સવારે લગભગ 5 વાગ્યે ખારી બેરી ગામ પાસે બની હતી. ગુજરાતના બનાસકાંઠા અને ધનસુરા જિલ્લાના આશરે 20 શ્રદ્ધાળુઓ એક ટેમ્પોમાં સવાર થઈને જોધપુર થઈને રામદેવરા જઈ રહ્યા હતા. આ દરમિયાન, તેમનો ટેમ્પો અનાજની બોરીઓથી ભરેલા એક ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકો અને ઘાયલોની વિગતો
અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે મૃત્યુ પામેલી ત્રણ મહિલાઓના મૃતદેહને બાલેસર હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, જેમની ઓળખ હજુ બાકી છે. અન્ય ઘાયલોને બાલેસર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જોધપુરની મથુરાદાસ માથુર (MDM) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ ત્રણ લોકોએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ નવ્યા (3 વર્ષ), ભૂપત સિંહ (40 વર્ષ) અને કાશિયા બાઈ (60 વર્ષ) તરીકે થઈ છે. હાલમાં 14 ઘાયલો MDM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના અધિક્ષક ડૉ. વિકાસ રાજપુરોહિતે જણાવ્યું છે.

