ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક લગ્ન સમારોહનો આનંદ ગણતરીની ક્ષણોમાં જ લોહિયાળ શોકમાં ફેરવાઈ ગયો. ડીજે સંગીત વગાડવાને લઈને થયેલી સામાન્ય તકરારમાં વરરાજાના સાળાએ પોતાની કારથી પાંચ લોકોને કચડી નાખ્યા, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, આ ઘટના કાસગંજના ગંજદુંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝેડએસ પેલેસ ગેસ્ટ હાઉસમાં બની હતી, જ્યાં એક સમાજવાદી પાર્ટીના નેતાના પુત્રના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. વરરાજા પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ડીજે વગાડવાને લઈને નાનો ઝઘડો થયો હતો, જેણે ટૂંક સમયમાં લોહિયાળ સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું. અહેવાલો મુજબ, વરરાજાના પરિવારે દુલ્હનના પિતરાઈ ભાઈ પર હુમલો કર્યો હતો, જેનાથી તે યુવક ગુસ્સે ભરાયો હતો.
વરરાજાના કાકા-મામાનું મોત
ગુસ્સે ભરાયેલા યુવકે તાત્કાલિક પોતાની કાર લઈને આવ્યો અને વરરાજાના પક્ષના લોકોને કચડી નાખ્યા. આ દુઃખદ અકસ્માતમાં વરરાજાના બે કાકા અને મામા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય બે જાનૈયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાથી લગ્નનું વાતાવરણ ચીસો અને અફરાતફરીમાં ફેરવાઈ ગયું હતું. એક સાથે ત્રણ લોકોના મૃત્યુથી આખા પરિવારમાં શોક છવાઈ ગયો છે.
પોલીસની કાર્યવાહી
માહિતી મળતાં જ ગંજ ડુંડવારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લીધી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આરોપી યુવકની શોધખોળ ચાલુ છે અને તેને ઝડપથી પકડવા માટે ટીમો કામે લાગી છે. વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગેસ્ટ હાઉસ અને આસપાસના વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

