BREAKING NEWS : સારાભાઈ વર્સિસ સારાભાઈ ફેમ સતીશ શાહનું નિધન, 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

0
45
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં તેમની યાદગાર ભૂમિકા માટે જાણીતા દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું 25 ઓક્ટોબરે 74 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કિડની સંબંધિત બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

કિડની સંબંધિત બીમારીના કારણે નિધન 

અહેવાલો અનુસાર, બપોરે 2:30 વાગ્યે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અભિનેતા સતીશ શાહનું નિધન થયું હતું, જ્યાં તેઓ કિડની સંબંધિત બીમારીની સારવાર લઈ રહ્યા હતા. અભિનેતાએ તાજેતરમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તેમના મેનેજરે આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે.

26 ઓક્ટોબરે અભિનેતાના અંતિમ સંસ્કાર કરાશે

ઇન્ડસ્ટ્રી માટે સતીશ શાહનું નિધન એક મોટી ખોટ છે. તેમના પાર્થિવ દેહને બાંદ્રામાં આવેલા તેમના ‘કલમવીર’ નિવાસસ્થાને લાવવામાં આવશે. ત્યારબાદ, કાલે એટલે કે 26 ઓક્ટોબરે તેમના અંતિમ સંસ્કાર કરાશે. સતીશ શાહ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન જગતના એવા જાણીતા અભિનેતા હતા, જેમણે પોતાના ઉત્તમ કોમિક ટાઇમિંગ અને શાનદાર અભિનય થકી દર્શકોના દિલમાં એક આગવું સ્થાન બનાવ્યું હતું. તેમણે માત્ર ટીવીમાં જ નહીં, પણ ફિલ્મોમાં પણ પોતાની કલાથી સૌનું દિલ જીત્યું હતું.

ટેલિવિઝનથી ઓળખ મળી 

સતીશ શાહનો જન્મ 25 જૂન, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યાર બાદ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) માંથી એક્ટિંગની તાલીમ લીધી. 

સતીશ શાહે પોતાના કરિયરની શરૂઆત 1970ના દાયકામાં ફિલ્મોથી કરી, પરંતુ ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં ઇન્દ્રવર્ધન સારાભાઈ ઉર્ફે ‘ઇન્દુ’ના રોલથી તેમણે ઘેર ઘેર ઓળખ બનાવી અને આજે પણ તેઓ આ પાત્ર માટે યાદ કરાય છે. આ કોમેડી શોમાં તેમણે પોતાના જબરદસ્ત અભિનય દ્વારા ખૂબ પ્રશંસા મેળવી હતી. આ ઉપરાંત તેમણે ‘યે જો હૈ ઝિંદગી’ નામના શોમાં દરેક એપિસોડમાં જુદા જુદા પાત્રો ભજવ્યા હતા. તેમજ બોલીવુડ ફિલ્મોમાં, તેમણે ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈં કૌન’, ‘કલ હો ના હો’, ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘સત્યમેવ જયતે’ જેવી અનેક હિટ ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here