BREAKING NEWS : હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત

0
45
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર GIDC નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના એવા સમયે બની જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રીના આગમનને લઈ બ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી હતી.

ગડકરી અને મુખ્યમંત્રી નિરીક્ષણ માટે આવવાના હતા 

આ ગોઝારી ઘટનાની વિગત એવી છે કે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી આજે હિંમતનગર-ચિલોડા હાઈવેના નિરીક્ષણ માટે આવવાના હોવાથી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આ હાઈવે પરની ક્ષતિઓ દૂર કરવા માટે યુદ્ધના ધોરણે રાત-દિવસ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત GIDC ઓવરબ્રિજ પર પણ કામ ચાલી રહ્યું હતું.

કેવી રીતે સર્જાયો અકસ્માત 

વહેલી સવારના સુમારે, જ્યારે કર્મચારીઓ અને એન્જિનિયર રોડ રોલર વડે કામ કરી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેલર સીધું જ રોડ રોલર સાથે અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે રોડ રોલર અને ટ્રેલર બંને પલટી ખાઈ ગયા હતા, અને ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તથા કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર તેની નીચે કચડાઈ ગયા હતા.

ઘટનાને પગલે અરેરાટી

અકસ્માતને પગલે ઘટનાસ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી. જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જે હાઈવેને સુરક્ષિત બનાવવા માટે કામગીરી ચાલી રહી હતી, તે જ કામગીરી ચાર લોકો માટે કાળ બનીને આવી, જેણે સમગ્ર કાર્યક્રમ અને તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here