BUSINESS : ચાંદીમાં ટ્રેડિંગની શરુઆતમાં જ ₹12,700નો કડાકો, સોનું પણ ₹ 3,000થી વધુ તૂટ્યું, જાણો કારણ

0
34
meetarticle

 છેલ્લા કેટલાક દિવસોથી રૅકોર્ડ હાઇ પર પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં ગુરુવારે, 22 જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય વાયદા બજાર(MCX)માં ઐતિહાસિક કડાકો બોલાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂ-રાજકીય તણાવ ઘટવાના સંકેતો અને રોકાણકારો દ્વારા ભારે નફારૂપી વેચવાલીના દબાણને કારણે બંને કિંમતી ધાતુઓમાં હાહાકાર મચી ગયો છે.

ચાંદીમાં ₹12,700થી વધુનો ઐતિહાસિક કડાકો 

ચાંદીના ભાવમાં આજે સૌથી મોટો અને ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.

જૂનો બંધ ભાવ: બુધવારે ચાંદીનો વાયદો ₹3,18,492 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

આજનો ઓપન ભાવ: આજે બજાર ખૂલતા સમયે ચાંદી ₹3,19,843 પર ખૂલી હતી.

આજનો કડાકો: બજાર ખૂલતાની સાથે જ વેચવાલીનું ભારે દબાણ આવતા ભાવ ગગડીને ₹3,05,753ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આમ, દિવસ દરમિયાન ચાંદીમાં ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં ₹12,700થી વધુનો ઐતિહાસિક કડાકો જોવા મળ્યો. હાલ ચાંદી ₹11,640 ના ઘટાડા સાથે ₹3,06,852 આસપાસ ટ્રેડ થઈ રહી છે.સોનામાં પણ મોટી પીછેહઠ

સોનામાં પણ મોટી નરમાઈ જોવા મળી હતી, જે તેની તાજેતરની રૅકોર્ડ સપાટીથી નીચે આવ્યું છે.

જૂનો બંધ ભાવ: બુધવારે સોનાનો વાયદો ₹1,52,862 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આજનો ઓપન ભાવ: આજે સોનું ₹1,51,557ના ભાવે ખુલ્યું હતું.

આજનો કડાકો: કારોબાર દરમિયાન વેચવાલીના દબાણને કારણે ભાવ ₹1,48,777 સુધી ગગડ્યો હતો. આમ, સોનામાં ₹3,200થી વધુનો ઘટાડો નોંધાયો. હાલ સોનું ₹3,239ના ઘટાડા સાથે ₹1,49,623 પર કારોબાર કરી રહ્યું છે.

કડાકા પાછળના કારણો 

બજારના નિષ્ણાતોના મતે, આ મોટા ઘટાડા પાછળ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલૅન્ડ મુદ્દે યુરોપિયન દેશો પર લગાવવામાં આવેલ ટેરિફ પાછો ખેંચી લેવાના નિર્ણયથી વૈશ્વિક તણાવમાં ઘટાડો થયો છે. આ કારણે, રોકાણકારોએ સોના-ચાંદી જેવી સુરક્ષિત રોકાણ સંપત્તિમાંથી નફો બુક કરવાનું શરુ કર્યું છે, જેના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ઘટાડાએ છેલ્લા કેટલાક દિવસોની એકતરફી તેજી પર બ્રેક લગાવી દીધી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here