BUSINESS : ચીન ડૉલર-બોન્ડ વેચી સોનાનો કરી રહ્યો છે ભંડાર, સતત 15મા મહિને બમ્પર ખરીદી કરી ચોંકાવ્યાં

0
158
meetarticle

ચીન સતત અમેરિકન બોન્ડ વેચીને ડી-ડોલરાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે. ચીનની આ આક્રમક નીતિનો વઘુ એક પુરાવો મળ્યો છે જેમાં ચીન યુએસ બોન્ડ અને ડોલર વેચી તો રહ્યું છે અને સામે સોનાનો બમ્પર સ્ટોક પણ કરી રહ્યું છે. બીજી તરફ સોનાના ઊંચા ભાવને પરિણામે 2025માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદી 1000 ટનની અંદર રહી હતી. અગાઉના ત્રણ વર્ષમાં દર વર્ષે ખરીદીનો આંક 1000 ટનની ઉપર રહ્યો હતો.

ચીનની સેન્ટ્રલ બેંકે સતત 15મા મહિને સોનાની ખરીદી કરીને વૈશ્વિક નાણાકીય બજારોનું ધ્યાન ખેંચ્યું છે. પીપલ્સ બેંક ઓફ ચાઇનાના તાજેતરના ડેટા અનુસાર, જાન્યુઆરીમાં સોનાના ભંડારમાં વધારો થયો છે. ડ્રેગનનું ગોલ્ડ રિઝર્વ એક મહિના અગાઉના 74.15 મિલિયન ટ્રોય ઔંસની સામે વધીને ગત મહિને કુલ 74.19 મિલિયન ફાઇન ટ્રોય ઔંસ થયું છે. વધતા ભૂરાજકીય અને આર્થિક જોખમો વચ્ચે, ચીનની આ વ્યૂહરચના સોનાને સુરક્ષિત રોકાણ તરીકેના દરજ્જાને વધુ મજબૂત બનાવતી હોય તેવું લાગે છેકુલ સ્ટોક ઉપરાંત, ચીનના સોનાના ભંડારના કુલ મૂલ્યમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ચીનની સેન્ટ્રલ બેંકના સોનાની વેલ્યુ 369.58 બિલિયન ડોલર પહોંચી છે, જે એક મહિના અગાઉ 319.45 બિલિયન ડોલર હતી. આ દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવમાં તીવ્ર વધઘટ જોવા મળી છે.

ચીનની આ ડી-ડોલરાઈઝેશનની નીતિ અને વૈશ્વિક સટ્ટાકીય ખરીદીને કારણે, જાન્યુઆરીમાં સોનાના ભાવ 5600 ડોલર પ્રતિ ઔંસના ઐતિહાસિક રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા હતા. જોકે, આ રેકોર્ડ તેજી ટકાઉ ન હતી. યુએસ ફેડરલ રિઝર્વના આગામી વડા તરીકે કેવિન વોર્શના નામાંકનના સમાચારથી બજારનું માનસ ખરડાયું હતું. હાજર બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો અને હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ હવે પ્રતિ ઔંસ 4500 ડોલર પર પહોંચી ગયા છે.

અત્રે મહત્વનું છે કે ચીનનો એકંદર સોનાનો વપરાશ થોડો ઘટયો છે. સરકાર સમર્થિત ચાઇના ગોલ્ડ એસોસિએશન અનુસાર, 2025 માં ચીનનો સોનાનો વપરાશ 3.75 ટકા ઘટીને 950 મેટ્રિક ટન થયો હતો. 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા પ્રમાણે 2025 માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની એકંદર ખરીદી 863 ટન રહી હતી. કિંમતી ધાતુના ઊંચા ભાવને પરિણામે ખરીદીમાં પીછેહઠ થઈ હોવાનું કાઉન્સિલના સુુત્રોએ જણાવ્યું હતું.ઊંચા ભાવને કારણે કેન્દ્રીય બેન્કો સાવચેતીભરી ખરીદી કરી રહી હતી. ખરીદી ભલે ધીમી પડી હોય પરંતુ સોનામાં લાંબા ગાળાના વ્યૂહાત્મક રસ મજબૂત રીતે ટકી રહ્યા છે. કાઉન્સિલ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં 24 માંથી 22 કેન્દ્રીય બેન્કોના ગોલ્ડ રિઝર્વમાં વધારો થયાનું જણાયું છે. આગામી થોડા વર્ષો દરમિયાન ગોલ્ડ રિઝર્વ વધારવાની યોજના હોવાના કેટલીક મોટી કેન્દ્રીય બેન્કોએ સંકેત આપ્યા છે જે જોખન સંચાલનના તેમના પ્રયાસો ચાલુ હોવાનું સૂચવે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here