BUSINESS : ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો

0
6
meetarticle

ઈરાન અમેરિકા યુદ્ધની અસર વૈશ્વિક બજાર પર પડી છે ત્યારે હાલ ડોલર સામે ભારતીય રૂપિયો સતત દબાણમાં જોવા મળી રહ્યો છે, આજે સોમવારે અમેરિકન ડોલર સામે 41 પૈસા તૂટીને 93.94ના તેના નવા ઓલ-ટાઇમ લો (સૌથી નીચલી સપાટી) પર પહોંચી ગયો હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે કાચા તેલની ઊંચી કિંમતો અને મજબૂત ડોલરે રૂપિયાને નબળો પાડી દીધો છે.

ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 93.84 પર ખુલ્યો હતો અને જોતજોતામાં ઘટીને 93.94ના સ્તરે પહોંચી ગયો હતો, જે અગાઉના બંધ સ્તર 93.53ની સરખામણીએ 41 પૈસાનો ઘટાડો દર્શાવે છે. આ પહેલા શુક્રવારે પણ રૂપિયો પ્રથમ વખત 93ને પાર કરી ગયો હતો અને 64 પૈસાના મોટા ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

રૂપિયા પર ક્રૂડ અને ડોલરનું બેવડું દબાણ

ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતોમાં ઉછાળાએ રૂપિયા પર વધારાનું દબાણ ઊભું કર્યું છે. ભારત ખાડી દેશોમાંથી આયાત થતા તેલ પર હવે પ્રતિ બેરલ અંદાજે 50 ડોલર વધુ ચૂકવી રહ્યું છે, જેનાથી આયાત બિલ વધ્યું છે અને ડોલરની માંગ અચાનક જ વધી ગઈ છે.

વર્ષ: 1 ડોલરની કિંમત= ભારતીય રૂપિયો

1947: 03.30 રૂપિયા

1966: 07.50 રૂપિયા

1991: 26.00 રૂપિયા

2008: 51.00 રૂપિયા

2013: 68.80 રૂપિયા

2024: 84.00 રૂપિયા

2025: 90.21 રૂપિયા

2026: 93.94 રૂપિયા

બજારમાં ડોલરની ભારે માગ

ફિનરેક્સ ટ્રેઝરી એડવાઈઝર્સના નિષ્ણાત મુજબ બજારમાં ડોલરની ભારે માગને કારણે રૂપિયો ઝડપથી ગબડ્યો છે. તેમણે ઉમેર્યું કે ભારતીય રિઝર્વ બેંક (RBI) અલગ-અલગ સ્તરે હાજર રહી, પરંતુ ડોલરની માગ ખૂબ વધારે હોવાથી તેણે રૂપિયાને ઘટવા દીધો હતો.

ઘરેલું શેરબજારોમાં ઘટાડો અને વિદેશી રોકાણકારો (FPI)ની સતત વેચવાલીએ પણ રૂપિયાને નબળો પાડ્યો છે. જોખમથી બચવાની વૃત્તિને કારણે રોકાણકારો ભારતીય બજારોમાંથી નાણાં પાછા ખેંચીને સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે.

નિષ્ણાતો માને છે કે જો રૂપિયામાં ઘટાડો ચાલુ રહેશે તો RBI હસ્તક્ષેપ કરી શકે છે જો કે તેલ કંપનીઓ અને વિદેશી રોકાણકારોની ડોલરની માગ નજીકના ભવિષ્યમાં ઊંચી રહી શકે છે, જેનાથી રૂપિયા પર દબાણ ચાલુ રહેવાની આશંકા છે. આ દરમિયાન, ડોલર ઇન્ડેક્સ પણ 0.02% વધીને 99.66 પર રહ્યો છે, જે વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતી દર્શાવે છે. વૈશ્વિક તેલ માનક બ્રેન્ટ ક્રૂડ વાયદાના કારોબારમાં 0.60 ટકા ઘટીને 112.90 અમેરિકન ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. એક્સચેન્જના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે શુદ્ધ ધોરણે 5,518.39 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ દરમિયાન, RBI એ શુક્રવારે જણાવ્યું હતું કે 13 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 7.052 અબજ અમેરિકન ડોલર ઘટીને 709.759 અબજ અમેરિકન ડોલર થઈ ગયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here