BUSINESS : ધનતેરસ ટુ ધનતેરસ: સોનામાં રૂ.50,000 જ્યારે ચાંદીમાં રૂ. 71,000નું વળતર

0
67
meetarticle

ધનતેરસની પૂર્વસંધ્યાએ વિશ્વબજારની પાછળ ઘરઆંગણે સોનામાં રૂપિયા ૩૦૦૦નો વધારો થયો હતો જ્યારે બજારમાં પૂરવઠો વધી જતા ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી હતી. જો કે વિશ્વબજારમાં શુક્રવારે સપ્તાહ અંતે સોનામાં ૧૦૦ ડોલરની ઊથલપાથલ જોવા મળી હતી. ચાંદી તથા અન્ય કિંમતી ધાતુમાં પણ મોટી વધઘટ રહી હતી. સોનાના ભાવ ૪૩૦૦ ડોલરને પાર કરીને ફરી ગબડયા હતા. જ્યારે ચાંદી ઉપરમાં ૫૪ ડોલરને આંબી જઈ ઢીલી પડી હતી. ક્રુડ તેલ પ્રમાણમાં સ્થિર રહ્યું હતું. ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ધનતેરસ થી ધનતેરસના એક વર્ષના ગાળામાં રોકાણકારોને સોના પર ૬૪ ટકા જ્યારે ચાંદી પર ૭૨ ટકા વળતર છૂટયું છે.

સંવત ૨૦૮૦ની ધનતેરસ તથા સમાપ્ત થઈ રહેલા સંવત ૨૦૮૧ની ધનતેરસ દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં સોનાના રોકાણ પર રોકાણકારોને જંગી વળતર છૂટયું છે. સંવત ૨૦૮૦માં ધનતેરસ ૨૯ ઓકટોબરના હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા પ્રમાણે ૯૯.૯૦ દસ ગ્રામ સોનાનો ભાવ જીએસટી વગર રૂપિયા ૭૮૭૪૫ રહ્યો હતો જે વર્તમાન સંવતની ધનતેરસની પૂર્વસંધ્યાએ ૧,૨૯,૫૮૪ પહોંચી ગયો હતો.સોના ઉપરાંત સમાપ્ત થઈ રહેલા સંવત ૨૦૮૧માં ચાંદીએ પણ રોકાણકારોને જોરદાર વળતર પૂરું પાડયું છે. ગયા વર્ષની ધનતેરસે .૯૯૯ ચાંદી એક કિલોનો જીએસટી વગર ભાવ રૂપિયા ૯૭૮૭૩ રહ્યો હતો જે આજે   રૂપિયા ૧,૬૯,૨૩૦ બોલાઈ રહ્યો છે.  વિદાય લઈ રહેલા સંવત ૨૦૮૧માં સોનામાં રૂપિયા ૫૦૮૩૯ અથવા તો ૬૪ ટકા અને ચાંદીમાં રૂપિયા ૭૧૩૫૭ અથવા ૭૨ ટકા વળતર છૂટયું છે. 

દરમિયાન શુક્રવારે ધનતેરસની પૂર્વસંધ્યાએ  મુંબઈ ઝવેરી બજારમાં  ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામ  જીએસટી વગર  રૂપિયા ૨૧૧૩ વધી રૂપિયા ૧,૨૯,૫૮૪ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧૩૩૪૬૯ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ આજે  રૂપિયા ૧,૨૯,૦૬૫ મુકાતા હતા. ચાંદી  રૂપિયા ૧,૬૯,૨૩૦ સ્થિર રહી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૭૪,૩૦૬ બોલાતી હતી. 

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૩૦૦૦ ઉછળી રૂપિયા ૧,૩૪,૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૩૪,૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૭૫,૦૦ સ્થિર રહ્યા હતા.

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં સપ્તાહ અંતે મોટી વધઘટ જોવા મળી હતી. સોનામાં પ્રતિ ઔંસ ૧૦૦ ડોલરની વધઘટ રહી હતી. સોનું પ્રતિ ઔંસ ઉપરમાં ૪૩૭૯ ડોલર અને નીચામાં ૪૨૭૯ ડોલર થઈ મોડી સાંજે ૪૩૧૫ડોલર મુકાતુ હતું. ચાંદી પણ પ્રતિ ઔંસ ૫૪.૪૭ ડોલર અને ૫૨.૯૦ ડોલર વચ્ચે અથડાઈને ૫૩.૬૩ ડોલર કવોટ થતી હતી. 

 નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૭.૫૭  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૧.૨૪ડોલર મુકાતું હતું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here