સોનાના ભાવ વધુ પડતા ઊંચી સપાટીએ પહોંચી ગયાની વૈશ્વિક ફન્ડોની ગણતરીએ આવેલા પ્રોફિટ બુકિંગથી સોનાના વૈશ્વિક ભાવ શુક્રવારે ૪૦૦૦ ડોલરની અંદર ઊતરી ગયા હતા. જોકે ચાંદીએ ૫૧ ડોલરની સપાટી પાર કરી નવી ટોચ બતાવી હતી. સપ્તાહ અંતે કિંમતી ધાતુમાં ભારે ચડાવઊતાર જોવા મળ્યો હતો.

ઔદ્યોગિક માગને લઈને સોનાની સરખામણીએ ચાંદી મક્કમ રહી હતી. ઘરઆંગણે ચાંદીમાં એક જ દિવસમાં રૂપિયા ૫૦૦૦નો ઉછાળો જોવા મળ્યો હતો. સોનામાં સાધારણ નરમાઈ રહી હતી. હમાસ તથા ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની પ્રક્રિયા શરૂ થતા ક્રુડ તેલ નરમ પડી ૬૪ ડોલરની અંદર સરકી ગયું હતું.
મુંબઈ ઝવેરીબજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ નરમ પડી રૂપિયા ૧,૨૧,૫૨૫ મુકાતા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૫,૧૭૦ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૧,૦૩૮ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ એક જ દિવસમાં રૂપિયા ૪૯૫૦ ઉછળી રૂપિયા ૧,૬૪,૫૦૦ બોલાતા હતા. જીએસટી સાથે મુંબઈ ચાંદી રૂપિયા ૧.૭૦ લાખની નજીક પહોંચી ગઈ હતી. અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૬,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૬,૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી રૂપિયા ૧,૬૫,૦૦૦ કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૪૦૦૦ ડોલરની અંદર ઊતરી મોડી સાંજે ૩૯૮૫ ડોલર મુકાતું હતું. ચાંદી ઔંસ દીઠ ૫૦ ડોલર બોલાતી હતી. ઉપરમાં ચાંદીએ ૫૧.૧૨ ડોલરનો નવો વિક્રમી ભાવ દર્શાવ્યો હતો. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૪૦ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૫૫ ડોલર ઊછળી ૧૪૭૬ ડોલર મુકાતુ હતું. વિશ્વ બજારમાં સોનામાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ રહ્યું હતું.
હમાસ તથા ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામના પ્રથમ તબક્કાનો માર્ગ મોકળો થયાના અહેવાલે ક્રુડ તેલ નરમ પડયું હતું. યુદ્ધ વિરામથી મધ્ય પૂર્વના વિસ્તારો ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો વધશે તેવી ધારણાંએ સપ્તાહ અંતે ભાવ નરમ બોલાતા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૯.૭૪ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૪ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૬૩.૩૬ ડોલર મુકાતું હતું.

