ઑક્ટોબરે રૅકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં હવે વૈશ્વિક સ્તરે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર આવતીકાલે ભારતીય બજાર પર જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાં છેલ્લા બે દિવસમાં આવેલી ભારે ગિરાવટને કારણે ચાંદી તેના રૅકોર્ડ ઉચ્ચ સ્તરથી લગભગ 20000 પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ ગઈ છે, જ્યારે સોનું પણ લગભગ 4000 પ્રતિ 10 ગ્રામ તૂટ્યું છે. હાલમાં તો અમદાવાદમાં સોનાનો ભાવ 132915 રૂપિયા બતાવે છે કાલે બજાર ખુલતાંની સાથે જ કરેક્શન બતાવશે.

આવતીકાલે ભારતીય બજાર પર જોવા મળશે અસર
વૈશ્વિક બજારમાં બુધવારે સોનાના ભાવમાં 2.9% અને મંગળવારે 6.3% નો કડાકો બોલ્યો હતો, જે છેલ્લા 12 વર્ષોમાં સૌથી મોટો ઘટાડો છે. જોકે, આ ઘટાડાની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી નથી કારણ કે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) ‘દિવાળી’ના તહેવાર નિમિત્તે (બુધવાર, 22 ઑક્ટોબર) બંધ છે. 23 ઑક્ટોબરે, જ્યારે બજાર ફરી ખુલશે, ત્યારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે. હાલમાં, MCX પર સોનાનો વાયદા ભાવ 128000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો વાયદા ભાવ 150000 પ્રતિ કિલોગ્રામ પર છે.
ભાવ કેમ ઘટ્યા?
બજાર નિષ્ણાતોના મતે, આ મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ નફાવસૂલી (Profit-Booking) છે. છેલ્લા કેટલાક મહિનામાં રૅકોર્ડ તેજી બાદ રોકાણકારો હવે પોતાનો નફો બુક કરી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન અને ભારત પ્રત્યેના નરમ વલણને કારણે વેપાર તણાવમાં ઘટાડો થયો છે, જેની અસર પણ સોનાના ભાવ પર પડી છે. રોકાણકારો હવે અમેરિકાના મોંઘવારીના આંકડાની રાહ જોઈ રહ્યા છે, જે ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે.
હવે રોકાણકારોએ શું કરવું?
નિષ્ણાતોનું માનવું છે કે ટૂંકા ગાળામાં આ ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, મધ્યમ ગાળામાં સોના અને ચાંદી મજબૂત રહી શકે છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ, કેન્દ્રીય બૅંકો દ્વારા સોનાની ખરીદી અને નબળા ડૉલર જેવા પરિબળોને કારણે ભવિષ્યમાં ભાવોને ટેકો મળી શકે છે.
